Home Gujarat Bharuch After Being Threatened By A Fake Policeman

ભરૂચમાં નકલી પોલીસનો પર્દાફાશ! : નકલી પોલીસ બની ધમકાવવાના કારણે એક વ્યક્તિનું હાર્ટ એટેકથી થયું હતું મોત, ચાર આરોપી ઝડપાયા

ભરૂચમાં નકલી પોલીસનો પર્દાફાશ!
Published by: OBS Bureau
Last Updated: Feb 22, 2026, 12:58 PM IST

ભરૂચ શહેરમાં નકલી પોલીસ બની લોકોને ધમકાવી રૂપિયા વસૂલતા તત્વો સામે એ પોલીસે ગણતરીના દિવસોમાં જ કડક કાર્યવાહી કરી ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ કેસમાં એક ગંભીર ઘટના સામે આવી હતી. જેમાં ધમકાવવાના કારણે એક વ્યક્તિને હાર્ટ એટેક આવી જતા તેમનું મોત નીપજ્યું હતું.

ભરૂચમાં નકલી પોલીસનો પર્દાફાશ!

ભોલાવ વિસ્તારમાં રહેતા 43 વર્ષીય ઉર્વીશ બીપીન મોદી 20 ફેબ્રુઆરીના રોજ પોતાની એક્ટિવા પર પત્ની સાથે શહેર તરફ જઈ રહ્યા હતા. રહાડપોર રોડ પર કેટલાક શખ્સોએ તેમને અટકાવી પોતે પોલીસ હોવાનું જણાવી ‘વાહનમાં નંબર પ્લેટ નથી’ કહી રૂપિયા આપવા દબાણ કર્યું હતું. નકલી પોલીસનો રોફ અને દાદાગીરીથી ઉર્વીશ મોદી ગભરાઈ જતા ચાલુ રસ્તા પર જ તેમને હાર્ટ એટેક આવ્યો અને તેઓ ઢળી પડ્યા. તાત્કાલિક તેમને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબોએ મૃત જાહેર કર્યા હતા.

નકલી પોલીસ બની ધમકાવવાના કારણે એક વ્યક્તિનું હાર્ટ એટેકથી થયું હતું મોત

મૃતકની પત્ની તૃપ્તિ મોદીએ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ચારેય આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી હતી. પીઆઈ આર.એમ. વસાવાના માર્ગદર્શન હેઠળ તપાસ હાથ ધરાઈ હતી. સર્વેલન્સ ટીમની સચોટ કામગીરીના આધારે યોગેશ સંતોષભાઈ બેલેરાવ, સંજુ રામધ્યાનભાઈ વસાવા, પ્રિતેશ ભરતભાઈ રાણા અને ભાવેશ વસાવા (તમામ રહે. ભરૂચ)ને ઝડપી પાડવામાં આવ્યા હતા. ચોંકાવનારી બાબત એ છે કે અન્ય વાહનચાલકોને નંબર પ્લેટ મુદ્દે ધમકાવતા આરોપીઓની પોતાની જ ગાડીઓમાં નંબર પ્લેટ ન હોવાનું બહાર આવ્યું છે. પોલીસે બંને વાહનો કબજે કરી વધુ તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં ચારેય આરોપીઓ ગુનાહિત ભૂતકાળ ધરાવતા હોવાનું પણ સામે આવ્યું છે. સમગ્ર મામલે પોલીસ વધુ પૂછપરછ કરી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now