Home Gujarat A Passenger From Abu Dhabi Hid A Gold Capsule In His Stomach

અબુધાબીથી આવેલા મુસાફર પેટમાં સોનાની કેપ્સ્યુલ છુપાવી! : સિવિલ હોસ્પિટલમાં મુસાફરના પેટમાંથી 135 ગ્રામ સોનું બહાર કઢાયું

અબુધાબીથી આવેલા મુસાફર પેટમાં સોનાની કેપ્સ્યુલ છુપાવી!
Published by: OBS Bureau
Last Updated: Feb 22, 2026, 01:30 PM IST

અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સની એર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU) દ્વારા સોનાની દાણચોરીનો મોટો કેસ ઝડપાયો છે. 19 ફેબ્રુઆરી 2026ના રોજ અબુધાબીથી આવેલી એર અરેબિયાની ફ્લાઇટ નંબર 3L 111 દ્વારા અમદાવાદ આવેલા શાહરૂખ નામના મુસાફરને પ્રોફાઇલિંગના આધારે શંકાસ્પદ હલચલને કારણે રોકી પૂછપરછ કરવામાં આવી હતી.

અધિકારીઓ દ્વારા તૈયાર કરાયેલી કેરિયર પ્રોફાઇલના આધારે તેને અટકાવી તપાસ કરતા તેણે શરીરમાં મેટાલિક વસ્તુઓ ગળી દાણચોરી કરવાનો પ્રયાસ કર્યો હોવાની કબૂલાત કરી હતી. ત્યારબાદ અધિકારીઓએ તેની અટક કરી કોર્ટમાં રજૂ કર્યો હતો. ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ, અમદાવાદના આદેશ મુજબ તેને તબીબી તપાસ માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં સારવાર દરમિયાન સ્ટૂલ પાસ વખતે ડોક્ટરોએ તેના શરીરમાંથી પીળા રંગની ત્રણ સિલિન્ડ્રિકલ આકારની કેપ્સ્યુલ અને સ્ટીલ રંગની એક ગોળ આકારની કેપ્સ્યુલ બહાર કાઢી હતી. તપાસમાં જાણવા મળ્યું કે આ કેપ્સ્યુલોમાંથી કુલ 135 ગ્રામ સોનું મળી આવ્યું છે. જપ્ત કરાયેલા સોનાની બજાર કિંમત અંદાજે રૂપિયા 21.90 લાખ જ્યારે ટેરિફ કિંમત રૂપિયા 20.17 લાખ આંકવામાં આવી છે.

સિવિલ હોસ્પિટલ દ્વારા મેડિકલ રિપોર્ટ આપવામાં આવ્યા બાદ મુસાફરને ડિસ્ચાર્જ કરવામાં આવ્યો હતો. કસ્ટમ્સ અધિકારીઓએ સોનું કબજે લઈને વધુ પૂછપરછ શરૂ કરી છે કે આ દાણચોરીના પાછળ કોણ સંડોવાયેલ છે. અમદાવાદ એરપોર્ટ પર તાજેતરમાં સોનાની દાણચોરીના બનાવોમાં વધારો નોંધાતા કસ્ટમ્સ વિભાગે વોચ વધુ કડક બનાવી છે અને શંકાસ્પદ મુસાફરો પર ખાસ નજર રાખી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now