Home Gujarat Anti Social Elements Have Become Rampant In Vastral Ahmedabad

વસ્ત્રાલમાં અસામાજિક તત્વો બન્યા બેફામ! : દુકાનમાં કરી તોડફોડ, જાનથી મારી નાખવાની ધમકી, પોલીસ ફરિયાદ

વસ્ત્રાલમાં અસામાજિક તત્વો બન્યા બેફામ!
Published by: OBS Bureau
Last Updated: Feb 22, 2026, 12:28 PM IST

અમદાવાદ શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. એક યુવકે દુકાનમાં ઘૂસી લાકડાના દંડા વડે તોડફોડ કરી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપતાં વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. આ અંગે રામોલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાઈ તપાસ શરૂ કરવામાં આવી છે.

વસ્ત્રાલમાં અસામાજિક તત્વોનો આતંક!

મળતી માહિતી મુજબ વસ્ત્રાલમાં રહેતા નાથા તાવડીયા અર્બુદા ડેકોરેશન નામની દુકાનમાં નોકરી કરે છે અને ત્યાં જ રહે છે. ઘટના સમયે તેઓ દુકાનમાં હાજર હતા ત્યારે એક વ્યક્તિ કાર લઈને ત્યાં આવ્યો હતો. ગાડીમાંથી ઉતરી તે શખ્સ લાકડાનો ડંડો લઈને દુકાનમાં ઘૂસ્યો હતો અને “તારા શેઠ ક્યાં છે?” કહી ગાળો બોલવા લાગ્યો હતો. નાથાએ ગાળો બોલવાની ના પાડતાં આરોપી વધુ ઉશ્કેરાયો હતો અને દુકાનમાં તોડફોડ શરૂ કરી દીધી હતી. દુકાનના કાચ તોડી નાંખ્યા હતા અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. સમગ્ર ઘટના દુકાનમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.

દુકાનમાં તોડફોડ, જાનથી મારી નાખવાની ધમકી

નાથા તાવડીયાએ આ મામલે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની ઓળખ અને શોધખોળ શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીએ અગાઉ પણ 3 થી 4 વખત તોડફોડ અને મારામારી જેવી ઘટનાઓ આચરી છે. વધુમાં છેલ્લા 10 વર્ષમાં અનેક વખત આવી હરકતો કરી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now