અમદાવાદના આનંદનગર વિસ્તારમાં રહેતી 40 વર્ષીય પરિણીતાએ પોતાની જ સોસાયટીમાં રહેતા એક ઓળખીત વ્યક્તિ સામે છેડતી અને ધમકી આપ્યાની ગંભીર ફરિયાદ નોંધાવી છે. મહિલાના આક્ષેપ મુજબ, આરોપીએ બિલ્ડિંગની લિફ્ટમાં તેમની સાથે અશ્લીલ હરકતો કરી હતી અને ઘટના અંગે કોઈને જાણ કરશે તો બંને વચ્ચે થયેલી ફોન અને મેસેજની વાતચીત જાહેર કરવાની ધમકી પણ આપી હતી.
આ સમગ્ર મામલે આનંદનગર પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. ઘટનાએ શહેરમાં મહિલાઓની સુરક્ષા અને ઓળખાણનો ગેરફાયદો ઉઠાવી થતી હેરાનગતિ અંગે ફરી ચર્ચા જગાવી છે.
ઓળખાણ બાદ શરૂ થઈ હતી ફોન અને મેસેજ પર વાતચીત
પોલીસ ફરિયાદ મુજબ, મહિલા પોતાના પતિ અને બે બાળકો સાથે આનંદનગર વિસ્તારમાં રહે છે. તેમની જ ફ્લેટ સ્કીમમાં સોના-ચાંદીના વ્યવસાય સાથે સંકળાયેલો એક યુવક પોતાની પત્ની અને બાળકો સાથે રહે છે. આશરે પાંચ મહિના પહેલા બંને વચ્ચે સેટેલાઈટ વિસ્તારમાં આવેલી પ્રેમચંદનગર સોસાયટી પાસે ઓળખાણ થઈ હતી.
ઓળખાણ બાદ બંને વચ્ચે ફોન અને મેસેજ મારફતે વાતચીત શરૂ થઈ હતી. જોકે, થોડા સમય પછી મહિલાને લાગ્યું હતું કે વાતચીત વધુ નજીક જઈ રહી છે, જેના કારણે તેમણે આરોપી સાથે સંપર્ક ઘટાડવાનો નિર્ણય લીધો હતો. મહિલાએ આરોપીને આગળથી ફોન કે મેસેજ ન કરવા પણ જણાવ્યું હતું.
લિફ્ટમાં અશ્લીલ હરકતનો આરોપ
ફરિયાદ અનુસાર, આશરે 15 દિવસ પહેલા મહિલા કોઈ કામસર લિફ્ટ મારફતે નીચે જઈ રહી હતી ત્યારે આરોપી પણ લિફ્ટમાં આવ્યો હતો. મહિલાનો આરોપ છે કે લિફ્ટમાં એકલા હોવાનો લાભ ઉઠાવી આરોપીએ તેમની છાતીના ભાગે અને ગુપ્ત ભાગે અયોગ્ય રીતે હાથ ફેરવ્યો હતો.
મહિલાએ વિરોધ કરતાં આરોપીએ ધમકી આપી હતી કે જો આ વાત પતિ અથવા અન્ય કોઈને જણાવશે તો બંને વચ્ચે થયેલી ફોન અને મેસેજની વાતચીત જાહેર કરી દેશે. આ ધમકીના કારણે મહિલા શરૂઆતમાં ગભરાઈ ગઈ હતી અને કોઈને ઘટનાની જાણ કરી નહોતી.
આરોપીની પત્નીને પણ કરી હતી ફરિયાદ
મહિલાએ થોડા દિવસો બાદ આરોપીની પત્નીને સમગ્ર ઘટના વિશે જણાવ્યું હતું અને તેમના પતિ દ્વારા હેરાન કરવામાં આવતી હોવાની ફરિયાદ કરી હતી. જોકે, મહિલાના જણાવ્યા મુજબ આરોપીની પત્નીએ આ મામલે ખાસ ધ્યાન આપ્યું નહોતું.
બાદમાં મહિલા પોતાના નાના ભાઈના ઘરે ગઈ હતી ત્યારે તેમણે સમગ્ર ઘટના અંગે ભાઈને જાણ કરી હતી. ત્યારબાદ પરિવારના માર્ગદર્શન હેઠળ પોલીસમાં અરજી કરવામાં આવી હતી. શરૂઆતમાં સ્થાનિક પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવી હતી, પરંતુ ઘટના આનંદનગર પોલીસ સ્ટેશન હદમાં બનતી હોવાથી ફરિયાદ ત્યાં ટ્રાન્સફર કરવામાં આવી હતી.
આ પણ વાંચો: અમેરિકા અને યુરોપને પણ પાછળ પાડે એવું ગુજરાતનું ગામ : એકવાર જરૂર લેવા જેવી છે આ વૈભવી ગામની મુલાકાત
આનંદનગર પોલીસે ગુનો નોંધ્યો
આનંદનગર પોલીસે મહિલાની અરજી અને પ્રાથમિક તપાસના આધારે આરોપી સામે છેડતી અને ધમકી સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. હાલ પોલીસ બંને પક્ષના નિવેદનો, બિલ્ડિંગના CCTV ફૂટેજ અને અન્ય ટેક્નિકલ પુરાવાઓની તપાસ કરી રહી છે.
પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ, ઘટનાસ્થળ અને સમયને ધ્યાનમાં રાખીને લિફ્ટ અને બિલ્ડિંગની આસપાસના કેમેરા ફૂટેજ પણ ચકાસવામાં આવી રહ્યા છે. આરોપીની પૂછપરછ સહિત આગળની કાયદાકીય કાર્યવાહી પ્રક્રિયામાં હોવાનું જણાવાયું છે.





