Home Gujarat Ahmedabad 23 June 2026 Gujarat News Updates Live

LiveGujarat News Live : 23 June 2026 - જાણો આજના દિવસભરના ગુજરાતના તમામ મહત્ત્વના સમાચાર

Gujarat News
Published by: OBS Bureau
Last Updated: Jun 23, 2026, 07:17 AM IST

23 June 2026 Gujarat News Updates Live : આજે 23 જૂન 2026ને મંગળવાર. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા અને ગાંધીનગર સહિત ગુજરાતના દરેક શહેરો અને જિલ્લાઓના દિવસભરના મોટા અને મહત્વના તમામ સમાચાર જાણો Offbeat Stories પર. વરસાદથી લઇને તમારા વિસ્તારની સ્થાનિક સમસ્યાઓ, ક્રાઈમથી લઇના ગુજરાતની રાજકીય હલચલ સુધીની તમામ મહત્ત્વની બાબતોની લેટેસ્ટ અપડેટ્સ અહીં જાણો.

લાઈવ અપડેટ્સ
26 મિનિટ પહેલા23 જૂન 2026

ડેડીયાપાડા જમીન વિવાદ કેસમાં મોટા સમાચાર: AAPના ધારાસભ્ય ચૈતર વસાવા સહિત 8 આરોપીઓ દોષિત જાહેર!

નર્મદા/રાજપીપળા: નર્મદા જિલ્લાના ડેડીયાપાડા વિસ્તારમાં લાંબા સમયથી ચાલી રહેલા જંગલ ખાતાની જમીન સંબંધિત વિવાદાસ્પદ કેસમાં આજે કોર્ટે બહુ મોટો ચુકાદો આપ્યો છે. નર્મદા સેશન્સ કોર્ટે આમ આદમી પાર્ટી (AAP)ના ફાયરબ્રાન્ડ ધારાસભ્ય ચૈતર વસાવા, તેમની પત્ની શંકુતલા વસાવા સહિત કુલ આઠ આરોપીઓને આ મામલે દોષિત જાહેર કર્યા છે. હાઈ-પ્રોફાઈલ ગણાતા આ કેસમાં લાંબી કાનૂની લડત અને દલીલો સાંભળ્યા બાદ કોર્ટે તમામ આરોપીઓ સામેનો ગુનો સાબિત માન્યો છે. કોર્ટ દ્વારા દોષિત જાહેર કરાયા બાદ હવે આ તમામ આઠેય આરોપીઓને કેટલી સજા ફટકારવામાં આવશે, તેને લઈને આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ચુકાદાને પગલે દક્ષિણ ગુજરાતના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે અને આમ આદમી પાર્ટી માટે આ એક મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે. હવે સમગ્ર ગુજરાતની નજર કોર્ટ દ્વારા સંભળાવવામાં આવનારી સજાના એલાન પર ટકેલી છે.

06:40 AM23 જૂન 2026

અમદાવાદના વસ્ત્રાલ તળાવમાં સેંકડો માછલીઓના મોતથી ચકચાર, તંત્રની ઘોર બેદરકારી સામે આવી!

અમદાવાદ: અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા વસ્ત્રાલ તળાવ ગાર્ડનમાંથી એક ચોંકાવનારી અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. તળાવમાં ઓક્સિજનની અચાનક ભારે અછત સર્જાવાને કારણે સેંકડો માછલીઓના ટપોટપ મોત નીપજ્યાં છે. પાણીની સપાટી પર તરતી મરેલી માછલીઓ જોઈને સવારના સમયે મોર્નિંગ વોક માટે આવતા સ્થાનિક રહીશોમાં ભારે રોષ અને આક્રોશ ફાટી નીકળ્યો છે. સ્થાનિકોનો સીધો આક્ષેપ છે કે તળાવમાં પાણી શુદ્ધ રાખવા અને ઓક્સિજન આપવા માટે લગાવવામાં આવેલા તમામ ૬ ઓક્સિજન મશીનો લાંબા સમયથી બંધ હાલતમાં હતા, જેના કારણે આ મોટી દુર્ઘટના ઘટી છે. ઘટનાની ગંભીરતાને જોતાં જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની હેલ્થ અને ગાર્ડન વિભાગની ટીમો તાબડતોબ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. અધિકારીઓએ તળાવમાંથી પાણીના નમૂના (સેમ્પલ) લઈને લેબોરેટરી ટેસ્ટિંગ માટે મોકલી આપ્યા છે. તંત્ર દ્વારા આ મામલે સત્તાવાર તપાસના આદેશ આપવામાં આવ્યા છે અને લેબ રિપોર્ટ આવ્યા બાદ આ ઘોર બેદરકારી માટે જવાબદાર કોન્ટ્રાક્ટર કે અધિકારી સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી છે.

06:27 AM23 જૂન 2026

ગુજરાતભરમાં અગરિયાઓના બાળકો માટે રણશાળાનો પ્રારંભઃ અંતરિયાળ વિસ્તારોમાં પહોંચશે ‘સ્કૂલ ઓન વ્હીલ્સ’

ગાંધીનગર: ગુજરાત સરકારના શિક્ષણ અને વાહન વ્યવહાર વિભાગના સંયુક્ત ઉપક્રમે ગાંધીનગર એસ.ટી. ડેપોથી રાજ્યવ્યાપી ‘શાળા પ્રવેશોત્સવ’નો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે દૂરદરાજના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા બાળકો માટે ખાસ તૈયાર કરાયેલી ‘સ્કૂલ ઓન વ્હીકલ’ (ચાલતી-ફરતી શાળા) બસોનું લીલી ઝંડી આપીને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ અનોખી પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય રણપ્રદેશ અને આજુબાજુના વિસ્તારોમાં રહેતા અગરિયાના બાળકોને શિક્ષણના મુખ્ય પ્રવાહ સાથે જોડવાનો છે. આધુનિક યુગ સાથે કદમ મિલાવતી આ તમામ 28 સ્પેશિયલ બસો સોલાર સિસ્ટમ, આધુનિક ટીવી ડિશ, કમ્પ્યુટર સ્ક્રીન અને રમતગમતના સાધનો જેવી હાઈટેક સુવિધાઓથી સજ્જ છે. આમાંથી ૧૧ બસો સીધી અગરિયા વિસ્તારની ‘રણશાળાઓ’ માટે ફાળવવામાં આવી છે, જે સીધી બાળકોના ઘર સુધી જઈને તેમને ભણાવશે. શિક્ષણને વધુ રસપ્રદ બનાવતી સરકારની આ અનોખી અને સંવેદનશીલ પહેલની સોશિયલ મીડિયા પર ચોમેર પ્રશંસા થઈ રહી છે અને તેનાથી ડ્રોપ-આઉટ રેશિયો ઘટાડવામાં મોટી મદદ મળશે.

05:47 AM23 જૂન 2026

ગુજરાતની જીવાદોરી છલકાઈ: સરદાર સરોવર ડેમની સપાટી 126.82 મીટરે પહોંચી, પાણીની આવકમાં સતત વધારો!

નર્મદા/કેવડિયા: ગુજરાત માટે સૌથી મોટા અને રાહતના સમાચાર સામે આવ્યા છે. ચોમાસાની શરૂઆત સાથે જ નર્મદા જિલ્લામાં સ્થિત રાજ્યની જીવાદોરી સમાન ‘સરદાર સરોવર ડેમ’માં પાણીની આવક ઝડપથી વધી રહી છે. ઉપરવાસમાંથી થઈ રહેલી પુષ્કળ પાણીની આવકને કારણે ડેમની જળસપાટી વધીને ૧૨૬.૮૨ મીટરના સ્તરે પહોંચી ગઈ છે. કેચમેન્ટ એરિયામાં સારો વરસાદ થવાને કારણે હાલમાં ડેમની સપાટીમાં દર કલાકે અંદાજે ૨ સેન્ટિમીટર જેટલો નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે, જે આગામી દિવસો માટે ખૂબ જ શુભ સંકેત છે. ડેમમાં પાણીની ભરપૂર આવક થતાં વહીવટી તંત્ર દ્વારા ખેડૂતો અને નાગરિકો માટે પાણી છોડવાનું શરૂ કરી દેવાયું છે. હાલ મુખ્ય કેનાલમાં ૧૪,૪૯૦ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જેનો સીધો લાભ સિંચાઈ અને પીવાના પાણી માટે થશે. આ પાણીની આવક વધવાથી ઉનાળા બાદ રાજ્યના અનેક વિસ્તારોમાં સર્જાયેલી પાણીની તંગી અને કટોકટીમાંથી લોકોને મોટી રાહત મળશે. ખેડૂતોમાં પણ આ સમાચારને પગલે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

05:23 AM23 જૂન 2026

મુંબઈ તરફ ચોમાસું ઝડપથી આગળ વધ્યું! ગુજરાતમાં ચોમાસાના પગરવ: દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર, ઉત્તર ગુજરાત હજી ગરમીની ભઠ્ઠીમાં!

ગાંધીનગર/સુરત: દેશમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું તોફાની ઝડપે મહારાષ્ટ્ર અને બિહાર તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે ગુજરાતમાં પણ મેઘરાજાએ ધમાકેદાર પ્રિ-મોન્સૂન એન્ટ્રી કરી દીધી છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૫૨ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ ખાબક્યો છે, જેમાં ભાવનગરમાં સૌથી વધુ ૧.૮૫ ઇંચ અને સુરતના ઉમરપાડામાં ૧.૭૭ ઇંચ વરસાદ નોંધાયો છે. નવસારી અને વલસાડમાં સવારથી જ વીજળીના કડાકા સાથે વરસાદી માહોલ જામ્યો છે, જેને પગલે દક્ષિણ ગુજરાતમાં તાપમાનનો પારો સીધો 3.5°C ગગડી ગયો છે. જોકે, રાજ્યમાં કુદરતના બે જુદા મિજાજ જોવા મળી રહ્યા છે. દક્ષિણ ગુજરાત જ્યારે વરસાદથી ઠંડુંગાર બન્યું છે, ત્યારે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર હજુ પણ અસહ્ય બફારામાં શેકાઈ રહ્યા છે. સોમવારે ગાંધીનગર 41°C તાપમાન સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર નોંધાયું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી ૪૮ કલાકમાં મુંબઈમાં ચોમાસું બેસી ગયા બાદ ટૂંક સમયમાં જ સમગ્ર ગુજરાતને ગરમીમાંથી કાયમી રાહત મળશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now