Home Gujarat Surat Surat Neet Exam Kanthi Controversy Parent Protest

"હું થોડો લાહોર, કરાચી કે રાવલપિંડીમાં ઊભો છું?" : સુરતમાં NEET પરીક્ષામાં દીકરીની 'કંઠી' કઢાવતા મોટો વિવાદ

સુરતમાં neet  દરમિયાન બબાલ
Published by: Chintan Chavda
Last Updated: May 03, 2026, 11:08 AM IST

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા રવિવારે દેશભરમાં NEET-UG 2026 પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરીક્ષામાં દેશના 23 લાખ અને ગુજરાતના અંદાજે 85,000 જેટલા વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જોકે, સુરતના અમરોલી વિસ્તારની એક શાળામાં પરીક્ષા દરમિયાન કંઠી પહેરવા બાબતે મોટો વિવાદ સર્જાયો હતો.

શું હતી સમગ્ર ઘટના?

સુરતના અમરોલીમાં આવેલી ગૌતમ સ્કૂલ ખાતે એક વિદ્યાર્થીની પરીક્ષા આપવા પહોંચી ત્યારે સુરક્ષા તપાસ દરમિયાન તેની કંઠી ઉતરાવી લેવામાં આવી હતી. આ બાબતની જાણ જ્યારે તેના પિતા પરેશ કાછડિયાને થઈ ત્યારે તેઓ લાલચોળ થઈ ગયા હતા. તેમણે પરીક્ષા કેન્દ્રની બહાર જ તંત્ર સામે સવાલો ઉઠાવી હોબાળો મચાવ્યો હતો.


વાલીએ વ્યક્ત કર્યો ભારે રોષ

વિદ્યાર્થીનીના પિતાએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે, "હું થોડો લાહોર, કરાચી કે રાવલપિંડીમાં ઊભો છું? હું હિન્દુનો દીકરો છું અને અહીંયા હિન્દુસ્તાનમાં સુરતમાં ઊભો છું. તમારી દીકરી કંઠી ન પહેરી શકે એક્ઝામમાં? કંઠીમાં શું ચોરી થઈ જાય એમાં? અન્ય કેન્દ્રો પર આવા કોઈ નિયમો નથી, તો અહીં જ કેમ અકારણ કડકાઈ રાખવામાં આવે છે? હિન્દુ ધર્મની આસ્થા સાથે જોડાયેલી કંઠી કાઢવાનો નિયમ ક્યાં લખ્યો છે?"

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, અન્ય ધાર્મિક વસ્ત્રો કે ચિન્હો સામે વાંધો નથી લેવાતો, તો માત્ર કંઠી સામે જ કેમ વિરોધ છે? આ દરમિયાન પિતા અને સ્કૂલ મેનેજમેન્ટ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.

આ પણ વાંચો: સુરતમાં દીકરીની છેડતીનો વિરોધ કરનાર પિતાનું ઢીમ ઢાળ્યુ : પરિવાર પર ચાકૂથી હુમલો

દબાણ વચ્ચે દીકરી રડી પડી

પિતાએ પોતાની દીકરીને પરીક્ષાખંડમાંથી બહાર બોલાવી ફરીથી કંઠી પહેરવા દબાણ કર્યું હતું. જોકે, પરીક્ષામાં મોડું થઈ રહ્યું હોવાથી અને માનસિક તણાવને કારણે દીકરી ગભરાઈ ગઈ હતી અને રડી પડી હતી. અંતે દીકરીએ કંઠી પહેરવાનો ઇનકાર કરીને પરીક્ષા આપવાનું ચાલુ રાખ્યું હતું. અન્ય વાલીઓએ પણ પિતાને સમજાવ્યા હતા કે આ વિવાદમાં દીકરીની પરીક્ષા ન બગડે તેનું ધ્યાન રાખવું જોઈએ.

નોંધનીય છે કે, ગુજરાતમાં અમદાવાદ, સુરત અને રાજકોટ સહિત 31 શહેરોમાં સખત સુરક્ષા વચ્ચે NEET ની પરીક્ષા લેવામાં આવી હતી, પરંતુ સુરતની આ ઘટનાએ સોશિયલ મીડિયા અને વાલીઓ વચ્ચે ચર્ચા જગાવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now