ગુજરાત રાજ્યમાં સર્પદંશથી થતા માનવ મૃત્યુને ઘટાડવા માટે રાજ્ય સરકાર મહત્વપૂર્ણ પહેલ કરી રહી છે. ટૂંક સમયમાં રાજ્યમાં જોવા મળતા ઝેરી સાપોના ઝેરમાંથી તૈયાર કરવામાં આવેલ એન્ટિવેનમ ઉપલબ્ધ થવાનું છે, જે આરોગ્ય ક્ષેત્રે મોટી સિદ્ધિ માનવામાં આવે છે.
દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે ગુજરાત સરકારે Snake Research Institute (SRI) ની સ્થાપના કરી છે. અહીં આધુનિક ટેક્નોલોજીની મદદથી સાપમાંથી કાઢવામાં આવેલા ઝેરની પ્રક્રિયા કરી તેને લાયોફિલાઇઝ્ડ પાવડર સ્વરૂપમાં પરિવર્તિત કરવામાં આવે છે.
તાજેતરમાં સર્પ સંશોધન કેન્દ્ર દ્વારા ગુજરાતમાં જોવા મળતી ચાર મુખ્ય ઝેરી સાપ પ્રજાતિઓના પાવડર સ્વરૂપના ઝેરની ઈ-હરાજી યોજાઈ હતી. ઝેરની ગુણવત્તા અત્યંત ઉત્તમ હોવાના કારણે ધાર્યા કરતાં પણ વધુ કિંમત પ્રાપ્ત થઈ હતી, જે સંશોધન કેન્દ્ર માટે ગૌરવની બાબત છે.
આ પહેલથી સ્થાનિક સાપના ઝેર પરથી બનાવાયેલા એન્ટિવેનમ વધુ અસરકારક બનશે અને રાજ્યમાં સર્પદંશના કેસોમાં મૃત્યુઆંક ઘટાડવામાં મદદરૂપ થશે.
આ સંસ્થાને આગામી સમયમાં વિશ્વ કક્ષાનું સંશોધન કેન્દ્ર બનાવવા માટે ગુજરાત સરકાર સમક્ષ ₹11.68 કરોડનો પ્રસ્તાવ પણ રજૂ કરવામાં આવ્યો છે. જો આ પ્રસ્તાવને મંજૂરી મળશે તો SRI ને આધુનિક સુવિધાઓથી સજ્જ બનાવી રાજ્ય તેમજ દેશના આરોગ્ય ક્ષેત્રમાં મહત્વપૂર્ણ યોગદાન અપાશે.




















