Vadodara Digital Arrest : વડોદરા જિલ્લાનું કાયાવરોહણ ગામ ડિજિટલ એરેસ્ટ મામલે રાજ્યમાં પહેલી આત્મહત્યાનો બનાવ બન્યો હોવાની ઘટના સામે આવી છે. 65 વર્ષીય અતુલભાઈ હિરાભાઈ પટેલને ભેજાબાજોએ દિલ્હી ATSના નામે ફોન કરી તેમના બેંક એકાઉન્ટમાં રૂ.40 કરોડના ફ્રોડ અંગે ધમકી આપી હતી. તેમને લગભગ એક દિવસ સુધી ડિજિટલ એરેસ્ટમાં ફસાવી રાખવામાં આવ્યા હતા.
ATSના ઇન્સ્પેક્ટર તરીકે ઓળખ આપી હતી
પરિવારજનોને આશંકા છે કે, આ પાછળ કોઈ મોટી છેતરપિંડી ચાલી રહી હતી. અતુલભાઈના ફોનમાં આવેલા નંબર પર સંપર્ક કર્યા બાદ, ભેજાબાજોએ આઈકાર્ડ મોકલી પોતાની ઓળખ ATSના ઇન્સ્પેક્ટર ગૌરવ ગ્રોવર તરીકે કરાવી. આ ધમકીઓ અને ભયના કારણે અતુલભાઈએ સોમવારે વહેલી સવારે ઘરે જ ઝેરી દવા પી આપઘાત કર્યો.
'ત્રણ દિવસથી બેચેન રહેતા હતા'
ખેડૂતના ભત્રીજાએ જણાવ્યું કે, અતુલભાઈ છેલ્લા ત્રણ દિવસથી બેચેન રહેતા હતા. કોઈને કશું કહેતા નહોતા. અમારા લાખ પ્રશ્નોના જવાબમાં એમણે કોઈને કશું કીધું નહોતું". ઘટના અંગે કાયાવરોહણ ગામમાં શોકનો માહોલ છે. આ બનાવની જાણ થતાં ડભોઈ પોલીસે તપાસ શરૂ કરી છે. સ્થાનિક પોલીસ ધમકીઓ અને ડિજિટલ એરેસ્ટ સંબંધિત તમામ પાસાંઓને ધ્યાનમાં રાખી ઘટનાની વિગતથી તપાસ કરી રહી છે.





















