નવસારી જિલ્લાના બીલીમોરા વિસ્તારમાં આજે ચકચારભર્યું ઘટનાક્રમ બન્યો હતો. SMCની ટીમ અને પોલીસ દ્વારા હોટલમાં રેડ કરવામાં આવતા શાર્પશૂટર ગેંગના સભ્યો સાથે ઘર્ષણ અને ફાયરિંગની ઘટના બની હતી.
SMC ટીમ અને શાર્પશૂટર ગેંગ વચ્ચે ફાયરિંગ
માહિતી મુજબ, પોલીસને બાતમી મળી હતી કે કેટલાક શાર્પશૂટર હોટલમાં રોકાઈને હથિયારો આપવાની ડીલ કરવા આવ્યા છે. આ બાતમીના આધારે પોલીસ અને SMCની ટીમે સંયુક્ત રીતે હોટલમાં રેડ હાથ ધરી હતી. રેડ દરમિયાન આરોપીઓએ અચાનક પોલીસ પર ફાયરિંગ શરૂ કરી દીધું.
પાંચમાંથી એક આરોપીને પગમાં ગોળી વાગી
પોલીસે પણ સ્વબચાવમાં ફાયરિંગ કર્યું હતું, જેમાં હથિયાર લેવા આવેલા પાંચમાંથી એક આરોપીને પગમાં ગોળી વાગી હતી. ઘાયલ આરોપીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. સ્થળ પરથી પોલીસે એકથી વધુ હથિયાર, કારતૂસ અને મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હોવાનું જાણવા મળે છે. હાલ પોલીસ આખી ગેંગ અને તેમના કનેક્શન વિશે વધુ તપાસ કરી રહી છે.
પોલીસે વધુ તપાસ હાથધરી
પ્રાથમિક તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આ ગેંગનો સંબંધ અન્ય રાજ્યોના ગુનાહિત તત્વો સાથે હોઈ શકે છે. સુરક્ષા એજન્સીઓએ વિસ્તારને ઘેરી લીધો છે અને બાકી રહેલા શંકાસ્પદ આરોપીઓને શોધવા માટે કૉમ્બિંગ ઑપરેશન શરૂ કરવામાં આવ્યું છે. બીલીમોરામાં બનેલી આ ઘટના બાદ સમગ્ર જિલ્લામાં ચકચાર મચી ગઈ છે




















