સુરતમાં નકલી પનીર બનાવતી એક ડેરી પરથી પોલીસે મોટો જથ્થો ઝડપ્યો છે. શહેરની SOG પોલીસને બાતમી મળતા પાલિકા ના આરોગ્ય વિભાગને જાણ કરી સંયુક્ત રીતે રેડ હાથ ધરવામાં આવી હતી. રેડ દરમિયાન 955 કિલો જેટલું શંકાસ્પદ પનીર મળી આવ્યું હતું. પોલીસે અંદાજે રૂ. 2 લાખથી વધુ મૂલ્યનું પનીર જપ્ત કર્યું છે અને ડેરીના સંચાલક કૌશિક પટેલની ધરપકડ કરવામાં આવી છે.
રૂ. 3 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો
કૌશિક પટેલની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે તેની બીજી યુનિટ ઓલપાડ વિસ્તારમાં પણ ચાલી રહો હતો. ત્યાં સ્થાનિક પોલીસની મદદથી રેડ હાથ ધરતા 420 કિલો “ડિલાઇટ બટર”, 600 લીટર શંકાસ્પદ દૂધ, 90 લીટર તેલ, 200 કિલો પનીર અને પનીર બનાવવા વપરાતું 7 લીટર એસિડ મળી આવ્યું હતું. પોલીસએ આ ઓલપાડ ખાતેથી કુલ રૂ. 3 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પોલીસે વધુ તપાસ હાથધરી
પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું છે કે આ પનીર માનવ આરોગ્ય માટે અત્યંત હાનિકારક છે. આવા નકલી પનીરમાં મળવાટરૂપ રાસાયણિક પદાર્થો હોવાના કારણે ચામડીના રોગ, પાચનતંત્રની સમસ્યાઓ અને લાંબા ગાળે કેન્સર જેવી ગંભીર બીમારીઓ થવાનો ખતરો રહે છે. પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે અને અન્ય સંકળાયેલા લોકોના નામ બહાર આવવાની શક્યતા છે.




















