સોમવારે દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા આતંકવાદી હુમલા અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સત્તાવાર નિવેદન બહાર આવ્યું છે. ભૂટાન પ્રવાસે રહેલા પીએમ મોદીએ જણાવ્યું કે આ વિસ્ફોટે સમગ્ર રાષ્ટ્રને હચમચાવી દીધું છે, અને સરકાર આ હુમલા પાછળ રહેલા દરેક તત્વને શોધીને સજા કરશે.
“દુઃખી મનથી અહીં આવ્યો છું” પીએમ મોદી
પ્રધાનમંત્રી મોદીએ ભૂટાનમાં એક કાર્યક્રમ દરમિયાન કહ્યું,
“હું આજે ભારે હૃદયથી અહીં આવ્યો છું. ગઈકાલે સાંજે દિલ્હીમાં બનેલી ભયાનક ઘટનાએ સમગ્ર દેશને દુઃખી કર્યો છે. જે પરિવારો આ હુમલાથી પ્રભાવિત થયા છે, તેમની પીડા હું સમજું છું. આજે 1.4 અબજ ભારતીયો તેમની સાથે છે.”
એજન્સીઓ સાથે સતત સંપર્કમાં રહ્યા
પીએમ મોદીએ વધુમાં જણાવ્યું કે તેઓ ગઈ રાતથી જ તપાસ એજન્સીઓ સાથે સતત સંપર્કમાં છે.
તેમણે કહ્યું, “અમારી એજન્સીઓ આ કાવતરાના તળિયે સુધી પહોંચશે. જે કોઈએ આ હુમલાની યોજના બનાવી છે, તેને છોડવામાં નહીં આવે. જવાબદાર દરેક વ્યક્તિને કાયદા અનુસાર સજા કરવામાં આવશે.”
ભૂતાનમાં વૈશ્વિક શાંતિ માટે પ્રાર્થના
મોદીએ ભૂટાનમાં યોજાયેલા વૈશ્વિક શાંતિ પ્રાર્થના મહોત્સવમાં ભાગ લીધો.
તેમણે કહ્યું, “ભારત વસુધૈવ કુટુંબકમના સિદ્ધાંતમાં વિશ્વાસ રાખે છે — આખું વિશ્વ એક પરિવાર છે. આજે, વિશ્વભરના સંતો સાથે મળીને અમે શાંતિ માટે પ્રાર્થના કરી રહ્યા છીએ. આ પ્રાર્થનામાં ભારતના 1.4 અબજ નાગરિકોની ભાવના પણ જોડાયેલી છે.”
વિસ્ફોટથી રાજધાનીમાં હાહાકાર
સોમવારે સાંજે લાલ કિલ્લા પાસે થયેલા આતંકવાદી હુમલામાં 9 લોકોના મોત થયા હતા અને 20થી વધુ ઘાયલ થયા હતા.
વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે મેટ્રો સ્ટેશનની બહારના કાચ તૂટી ગયા, અને નજીક પાર્ક કરેલી કેટલાક વાહનોને ભારે નુકસાન થયું.
સુરક્ષા એજન્સીઓએ વિસ્તારને સીલ કરી દીધો છે, અને NIA, IB અને દિલ્હી પોલીસની ટીમો હાલ ઘટનાની તપાસમાં જોડાયેલી છે.




















