દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા કાર બોમ્બ વિસ્ફોટ કેસમાં તપાસ એજન્સીઓએ મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. દિલ્હી પોલીસ અને રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ પુલવામાના રહેવાસી ડૉ. ઉમર મોહમ્મદને આ હુમલાનો મુખ્ય સૂત્રધાર તરીકે ઓળખ્યો છે. તપાસ દરમિયાન મળેલા CCTV ફૂટેજ અને કારના રજીસ્ટ્રેશન નંબર પરથી તેની ઓળખ પુષ્ટિ થઈ છે.
મંગળવારે NIA અને દિલ્હીની સ્પેશિયલ સેલની ટીમો ઉમરના પુલવામા સ્થિત નિવાસસ્થાને પહોંચી હતી, જ્યાંથી તેની માતા અને બે ભાઈઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. તપાસમાં ખુલ્યું છે કે વિસ્ફોટમાં વપરાયેલી સફેદ હ્યુન્ડાઇ i20 કાર ઉમરના નામે નોંધાયેલી હતી.
CCTV ફૂટેજમાં દેખાયો માસ્કધારી વ્યક્તિ
સોમવાર સાંજે લાલ કિલ્લા પાસે થયેલા વિસ્ફોટ પહેલા મળેલા CCTV ફૂટેજમાં એક કાળા માસ્કધારી વ્યક્તિને કલાકો સુધી કારમાં બેઠેલો જોવામાં આવ્યો હતો. ફૂટેજના આધારે એજન્સીઓને શંકા છે કે તે વ્યક્તિ ઉમર મોહમ્મદ જ હતો. પ્રાથમિક તપાસ મુજબ, ઉમર કારમાં બેઠો હતો અને સંભવતઃ ફરીદાબાદ સ્થિત નેટવર્ક તરફથી સંકેતની રાહ જોઈ રહ્યો હતો.
ઉમર મોહમ્મદ 'ડોક્ટર ડેથ' તરીકે ઓળખાતો હતો
તપાસ એજન્સીના સૂત્રોના જણાવ્યા અનુસાર, ઉમર વ્યવસાયે ડૉક્ટર હતો અને પુલવામામાં રહેતો હતો. તે ફરીદાબાદના એક આતંકવાદી મોડ્યુલ સાથે જોડાયેલો હતો, જે દિલ્હી અને NCR વિસ્તારમાં શ્રેણીબદ્ધ વિસ્ફોટો કરવાની યોજના બનાવી રહ્યું હતું. થોડા દિવસ પહેલા પોલીસે આ મોડ્યુલ સાથે સંકળાયેલા બે અન્ય ડૉક્ટરોને પણ ધરપકડ કરી હતી.
એવું માનવામાં આવે છે કે આ ધરપકડો બાદ ઉમરે ઉતાવળમાં આ વિસ્ફોટ કરવાનો નિર્ણય લીધો હતો. એજન્સીઓએ ખુલાસો કર્યો છે કે ઉમરને તેના સંગઠનના સભ્યો વચ્ચે "ડોક્ટર ડેથ" તરીકે ઓળખવામાં આવતો હતો.
પરિવારની પૂછપરછ અને પુરાવા જપ્ત
NIA અને દિલ્હી પોલીસે પુલવામામાં ઉમરના ઘરની તપાસ દરમિયાન લૅપટોપ, મોબાઇલ ફોન અને શંકાસ્પદ દસ્તાવેજો જપ્ત કર્યા છે. ઉમરના પરિવારજનોની પૂછપરછ ચાલુ છે. એજન્સીઓ તપાસી રહી છે કે ઉમરનો સંપર્ક કોઈ આંતરરાષ્ટ્રીય આતંકવાદી સંગઠન સાથે હતો કે નહીં.
સૂત્રોના જણાવ્યા મુજબ, ઉમર છેલ્લા કેટલાક મહિનાઓથી ગુપ્ત રીતે મુસાફરી કરી રહ્યો હતો અને દિલ્હી-ફરીદાબાદ વિસ્તારમાં તેની ગતિવિધિઓ વધતી જોવા મળી હતી. હાલમાં એજન્સીઓ તેના સહયોગીઓ અને નેટવર્કના અન્ય સભ્યોની શોધખોળમાં છે.




















