દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનની નજીક સોમવાર સાંજે એક કારમાં અચાનક થયેલા વિસ્ફોટની ઘટનાએ સમગ્ર રાજધાનીને ચોંકાવી દીધી હતી. વિસ્ફોટના અવાજથી આસપાસનો વિસ્તાર હચમચી ઉઠ્યો હતો અને થોડા જ સમયમાં દિલ્હી પોલીસ, ફોરેન્સિક ટીમો તથા બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ સ્થળ પર પહોંચી ગયા હતા. વિસ્તારને તાત્કાલિક રીતે સીલ કરીને ત્યાં લોકોની અવરજવર રોકી દેવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું છે કે તપાસ શરૂ કરવામાં આવી છે અને હાલ દરેક સંભાવનાઓને ધ્યાનમાં રાખી તપાસ આગળ વધી રહી છે.
લાલ કિલ્લો ત્રણ દિવસ માટે જનતા માટે બંધ રહેશે
ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) એ સુરક્ષા કારણોસર લાલ કિલ્લાને આવતા ત્રણ દિવસ સુધી પ્રવાસીઓ માટે બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. અધિકારીઓના જણાવ્યા મુજબ તપાસ દરમિયાન કોઈ વિક્ષેપ ન થાય અને સુરક્ષા વ્યવસ્થામાં ખલેલ ન પડે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ સમયગાળામાં કોઈ પણ નાગરિક કે પ્રવાસીને સંકુલમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં નહીં આવે.
ટ્રાફિક વિભાગે જાહેર કર્યા વૈકલ્પિક માર્ગો
વિસ્ફોટ બાદ દિલ્હી ટ્રાફિક પોલીસે જાહેર સુરક્ષાને ધ્યાનમાં રાખી નેતાજી સુભાષ માર્ગની બંને દિશાના માર્ગો અને સર્વિસ લેન બંધ કરી દીધી છે. ચટ્ટા રેલ કટથી સુભાષ માર્ગ કટ વચ્ચે કોઈપણ વાહનને પસાર થવાની મંજૂરી નહીં આપવામાં આવે. ટ્રાફિક પોલીસએ જણાવ્યું છે કે આ પ્રતિબંધો સવારે 6 વાગ્યાથી અમલમાં આવ્યા છે અને આગળની સૂચના સુધી ચાલુ રહેશે. મુસાફરોને અનુરોધ કરવામાં આવ્યો છે કે તેઓ વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરે જેથી ટ્રાફિકની અડચણ ન પડે.
વિસ્ફોટ પછી સમગ્ર દિલ્હીમાં હાઇ એલર્ટ જાહેર
આ ઘટનાને અનુસંધાને દિલ્હી પોલીસએ શહેરના તમામ સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવી છે. IGI એરપોર્ટ, ઇન્ડિયા ગેટ, સંસદ ભવન તેમજ સરહદી વિસ્તારોમાં તપાસની તીવ્રતા વધારવામાં આવી છે. દરેક વાહનની ચકાસણી કરવામાં આવી રહી છે. પોલીસએ નાગરિકોને અપીલ કરી છે કે કોઈપણ શંકાસ્પદ વસ્તુ કે પ્રવૃત્તિ દેખાય તો તરત જ નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરે.
પોલીસ અને તપાસ એજન્સીઓ સક્રિય
ઉત્તર જિલ્લાના DCP રાજા બંઠિયાએ જણાવ્યું છે કે ઘટનાના મામલે UAPA, Explosives Act અને IPC હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. દિલ્હી પોલીસ સાથે FSL અને NSGની વિશેષ ટીમો પણ તપાસમાં જોડાઈ ગઈ છે. તેમણે જણાવ્યું કે હાલ પુરાવાઓ એકત્રિત કરવાની પ્રક્રિયા ચાલી રહી છે અને તપાસ હજી પ્રારંભિક તબક્કામાં છે, તેથી કોઈ નિશ્ચિત તારણ પર પહોંચવું વહેલું ગણાશે. LNJP હોસ્પિટલમાં મૃતદેહોના પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યા છે. પોલીસના જણાવ્યા મુજબ અત્યાર સુધી 6 મૃતદેહોની ઓળખ થઈ ચૂકી છે, જ્યારે 1-2 મૃતદેહોની ઓળખ પ્રક્રિયા ચાલુ છે.




















