ગાંધીનગર અને પાલનપુરમાંથી ઝડપાયેલા ISISના ત્રણ આતંકવાદીઓને લગતી તપાસ દરમિયાન એક પછી એક ચોંકાવનારા ખુલાસા સામે આવી રહ્યા છે. આ ત્રણેય આતંકવાદીઓ સોશિયલ મીડિયા મારફતે એકબીજાના સંપર્કમાં આવ્યા હતા અને ભારતમાં આતંકવાદી પ્રવૃત્તિઓ અંજામ આપવા માટે યોજનાઓ બનાવી રહ્યા હતા. તેઓ “બદલો લેવો છે”, “ઘણા મુસ્લિમોને ભેગા કરવાના છે” અને “કંઈક મોટું કરવું છે” જેવી વાતો કરતા હતા.
અમદાવાદના ઘણાં વિસ્તારોની રેકી કરી હતી
તપાસમાં જાણવા મળ્યું છે કે આ આતંકીઓએ અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલા ફ્રૂટ્સ માર્કેટ અને આજુબાજુના વિસ્તારોમાં રેકી કરી હતી. અમદાવાદના સંવેદનશીલ અને ભીડભાડવાળા વિસ્તારોમાં તેમની હલચલ જોવા મળી હતી. આતંકી આઝાદ સુલેમાન શેખ અને મહમ્મદ સુહેલે શહેરમાં વિવિધ સ્થળોએ જઈ ફોટા અને વીડિયો કેપ્ચર કર્યા હતા.
ટાર્ગેટ RSSનું મુખ્ય કાર્યાલય હતું?
માત્ર અમદાવાદ જ નહીં, પરંતુ દિલ્હીના આઝાદ મેદાન અને આસપાસના વિસ્તારોના ફોટા તથા વીડિયો પણ તેઓએ તૈયાર કર્યા હતા. તપાસમાં સૌથી ચોંકાવનારી વાત એ સામે આવી છે કે આ આતંકવાદીઓનું મુખ્ય ટાર્ગેટ લખનઉમાં આવેલું RSSનું મુખ્ય કાર્યાલય હતું. આ હુમલો અંજામ આપવા માટે તેઓ તબક્કાવાર તૈયારી કરી રહ્યા હતા.
ATSની સઘન તપાસ
ATSની ટીમ હાલ આ સમગ્ર મામલે સઘન તપાસ કરી રહી છે. પ્રાથમિક તારણ મુજબ આ ચારેય વ્યક્તિઓમાંથી બે ગુજરાતના અમદાવાદ અને મોડાસાના છે, જ્યારે બાકીના બે દિલ્હી અને નોઈડાના હોવાનું સામે આવ્યું છે. તપાસ એ પણ દર્શાવે છે કે આતંકીઓ તેમના “આકા” અથવા સુપ્રીમ આંતકી સાથે સતત સંપર્કમાં હતા, પરંતુ તેઓને સંપૂર્ણ યોજના એકસાથે આપવાને બદલે ટુકડે ટુકડે માહિતી આપતા હતા જેથી ગુપ્તતા જળવાઈ રહે. હાલમાં ATS અને ઇન્ટેલિજન્સ એજન્સીઓ બંને આ નેટવર્કના અન્ય સભ્યો સુધી પહોંચવા પ્રયાસ કરી રહી છે. રાજ્યમાં વધતી સુરક્ષા ચિંતાને જોતા ગુજરાત ATS અને પોલીસ વિભાગોએ મુખ્ય શહેરોમાં એલર્ટ જાહેર કર્યું છે અને સંવેદનશીલ વિસ્તારોમાં ચેકિંગ, પેટ્રોલિંગ તેમજ દેખરેખ વધારી દેવામાં આવી છે.




















