રાજકોટ શહેરમાં સુરક્ષા એજન્સીઓએ મહત્વપૂર્ણ સ્થળોએ ચકાસણી શરૂ કરી છે. રાજકોટ રેલવે સ્ટેશન પર એસઓજી, ડોગ સ્કવોર્ડ અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોર્ડની ટીમોએ વિશેષ ચેકિંગ હાથ ધર્યું છે. સ્ટેશન પર પાર્ક કરેલા વાહનો, બિનવારસી બેગ તેમજ શંકાસ્પદ વસ્તુઓની સઘન તપાસ કરવામાં આવી રહી છે. મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને રેલવે પોલીસ અને સ્થાનિક પોલીસે સંયુક્ત રીતે પેટ્રોલિંગ પણ વધાર્યું છે. નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે કોઈ અફવા પર વિશ્વાસ ન રાખે અને શંકાસ્પદ હલચલ દેખાય તો તરત જ પોલીસને જાણ કરે.
શંકાસ્પદ વ્યક્તિઓ પર ખાસ નજર રાખવામાં આવી રહી
જામનગર શહેરમાં પણ પોલીસ એલર્ટ પર આવી ગઈ છે. દિલ્હી ઘટનાને અનુસંધાને શહેર પોલીસની વિવિધ ટીમો દ્વારા અલગ-અલગ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. એસ.ટી. ડેપો, મુખ્ય માર્ગો અને શહેરમાં પ્રવેશતા તમામ માર્ગો પર પોલીસે વાહનોની ચકાસણી શરૂ કરી છે. જામનગર SOG ટીમ, બોમ્બ સ્કવોર્ડ અને ડોગ સ્કવોર્ડની સહાયથી શહેર અને જિલ્લામાં તમામ ચેક પોઇન્ટ પર તપાસ ચાલુ છે. શંકાસ્પદ વસ્તુઓ અથવા વ્યક્તિઓ પર ખાસ નજર રાખવામાં આવી રહી છે.
સઘન સુરક્ષા વ્યવસ્થા
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ સુરક્ષા એજન્સીઓ પૂરેપૂરી સતર્ક છે. દરિયાઈ વિસ્તાર ધરાવતા આ જિલ્લામાં એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. યાત્રાધામ દ્વારકા સહિત જિલ્લાના હોટલો, લોજ, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન અને દરિયાઈ જેટીઓ પર ચુસ્ત ચકાસણી હાથ ધરવામાં આવી છે. શહેરમાં આવતા-જતાં વાહનોની તડામાર તપાસ કરવામાં આવી રહી છે, જ્યારે રાત્રિના સમયે મુખ્ય માર્ગો અને પ્રવેશદ્વારોએ નાકાબંધી પણ કરવામાં આવી રહી છે. હોટલ અને ગેસ્ટહાઉસમાં રોકાયેલા પ્રવાસીઓની વિગતોની તપાસ કરીને કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તરત કાર્યવાહી થાય તે માટે પોલીસ સતર્ક છે.
પેટ્રોલિંગ વધારવામાં આવ્યું
દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરિયાકાંઠા વિસ્તાર પર મરીન પોલીસ અને કોસ્ટગાર્ડની સાથે સંકલન કરીને સતત પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે. પોલીસ તંત્ર દ્વારા જનતાને અપીલ કરવામાં આવી છે કે કોઈ શંકાસ્પદ વ્યક્તિ, વસ્તુ કે હલચલ નજરે પડે તો તરત જ પોલીસને જાણ કરવી, જેથી રાજ્યની સુરક્ષા વ્યવસ્થા મજબૂત અને સુનિશ્ચિત રહે.




















