ગુજરાતની ગિફ્ટ સિટીમાં હવે મુંબઈની ગ્લેમરસ ઝલક જોવા મળશે. બોલીવુડ અભિનેત્રી અને ઉદ્યોગપતિ શિલ્પા શેટ્ટી ટૂંક સમયમાં ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીમાં વર્લ્ડ ક્લાસ ડાઇનિંગ અને લાઇફસ્ટાઇલ ડેસ્ટિનેશન શરૂ કરવા જઈ રહી છે. શિલ્પા શેટ્ટી ‘બૅસ્ટિયન’ ગ્રુપની કો-ફાઉન્ડર છે, જે પ્રીમિયમ ફૂડ એન્ડ બેવરેજીસ (F&B) ક્ષેત્રમાં જાણીતી હૉસ્પિટાલિટી કંપની છે.
‘બૅસ્ટિયન’ હવે ગુજરાતમાં પણ...!
બૅસ્ટિયન હોસ્પિટાલિટી દ્વારા ગિફ્ટ સિટીમાં એક લાખ ચોરસ ફૂટ વિસ્તારમાં આ વિશાળ પ્રોજેક્ટ ઉભું કરવામાં આવશે, જે સેન્ટ્રલ પાર્કના ફેઝ-1નો ભાગ છે. આ પ્રોજેક્ટ અંતર્ગત માત્ર રેસ્ટોરાં જ નહીં પરંતુ એક સંપૂર્ણ લાઇફસ્ટાઇલ અને ડાઇનિંગ ડેસ્ટિનેશન તરીકે તેનું નિર્માણ થશે. અહીં ભવ્ય ઇન્ટિરિયર, આંતરરાષ્ટ્રીય સ્તરના ફૂડ મેન્યુ અને હાઈ-એન્ડ ડાઇનિંગ અનુભવ મળશે. શિલ્પા શેટ્ટીનું મુંબઈમાં આવેલું ‘બૅસ્ટિયન એટ ધ ટોપ’ રેસ્ટોરાં ભારતના સૌથી લોકપ્રિય સેલિબ્રિટી રેસ્ટોરાંમાંનું એક છે, જ્યાં અનેક ફિલ્મસ્ટાર્સ અને હાઈ-પ્રોફાઇલ વ્યક્તિઓ જોવા મળે છે. હવે એ જ પ્રીમિયમ અનુભવ ગુજરાતના લોકો માટે પણ ઉપલબ્ધ થશે.
ગુજરાતને આંતરરાષ્ટ્રીય સ્તરના ફૂડ અનુભવ માટે નવી દિશા
ગિફ્ટ સિટી જે ભારતનું પ્રથમ ઓપરેશનલ સ્માર્ટ સિટી અને ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીઝ સેન્ટર છે, તે ધીમે ધીમે “Live, Work, Play” ડેસ્ટિનેશન તરીકે વિકસતી જઈ રહી છે. અહીં માત્ર ફાઇનાન્શિયલ સર્વિસીસ જ નહીં, પણ આધુનિક જીવનશૈલીની સુવિધાઓ પણ ઉપલબ્ધ થઈ રહી છે. બૅસ્ટિયનનો આ નવો પ્રોજેક્ટ ગિફ્ટ સિટીના લાઇફસ્ટાઇલ સેક્શનને નવી ઓળખ આપશે અને ગુજરાતને આંતરરાષ્ટ્રીય સ્તરના ફૂડ અનુભવ માટે નવી દિશા આપશે.




















