logo-img
These Districts Will Get 22000 Assistance In Both Irrigated And Non Irrigated Areas

આ જિલ્લાઓમાં પિયત અને બિનપિયત બંનેમાં મળશે રૂ. 22000 ની સહાય : અસરગ્રસ્ત ખેડૂતો માટે 11 નવેમ્બરથી કૃષિ રાહત પેકેજ પોર્ટલ ખુલ્લું મૂકાશે, રાજ્ય સરકારનો વધુ એક ખેડૂત હિતલક્ષી નિર્ણય

આ જિલ્લાઓમાં પિયત અને બિનપિયત બંનેમાં મળશે રૂ. 22000 ની સહાય
Published by: Offbeat Team
| Last Updated: Nov 11, 2025, 06:15 AM IST

ગુજરાતમાં ગત ઓગસ્ટ-સપ્ટેમ્બર-2025 માસમાં વરસેલા અતિભારે વરસાદમાં જૂનાગઢ, વાવ-થરાદ, કચ્છ, પંચમહાલ અને પાટણ જિલ્લાના ખેતી પાકોમાં વ્યાપક નુકસાન જોવા મળ્યું હતું. આ નુકશાનમાં ખેડૂતોને આર્થિક મદદ પૂરી પાડવાના આશય સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક ધોરણે સર્વે હાથ ધરીને કૃષિ મંત્રી જીતુ વાઘાણી દ્વારા રૂ. 947 કરોડના કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી હતી.

આ કૃષિ રાહત પેકેજમાં અસરગ્રસ્ત ખેડૂતોને SDRFના ધારાધોરણો મુજબ 33 ટકાથી વધુ નુકશાન હોય તેવા ખેડૂતોને સહાય આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેમાં બિનપિયત પાક માટે રૂ. 12,000 પ્રતિ હેક્ટર, પિયત પાક માટે રૂ. 22,000 પ્રતિ હેક્ટર તેમજ બહુવર્ષાયુ પાકો માટે રૂ. 27,500 પ્રતિ હેક્ટર સહાય જાહેર કરવામાં આવી હતી.

કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ આ સંદર્ભે લેવાયેલા મહત્વપૂર્ણ નિર્ણય અંગે જણાવ્યું હતું કે, વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ અસરગ્રસ્ત વિસ્તારમાં નુકશાનની તીવ્રતાને ધ્યાને લઈને સહાયમાં વધારો કરવા અંગે રજૂઆત કરીને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ બાબતે ઊંડાણપૂર્વક રસ લઈને ખેડૂતોના હિતને તેમણે પ્રાધાન્ય આપ્યું હતું. આ ઉપરાંત અસરગ્રસ્ત વિસ્તારના વિવિધ ધારાસભ્ય સહિતના અગ્રણીઓએ પણ સહાયમાં વધારો કરવા રાજ્ય સરકારને રજૂઆત કરવામાં આવી હતી.

આ રજૂઆતને હકારાત્મક વાચા આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્ય મંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ બિનપિયત અને પિયત પાક બંનેને એક સમાન રૂ. 22,000 પ્રતિ હેક્ટર સહાય બે હેક્ટરની મર્યાદામાં આપવાનો રાજ્ય સરકાર દ્વારા ખેડૂત હિતલક્ષી નિર્ણય કરવામાં આવ્યો છે, તેમ મંત્રીએ ઉમેર્યું હતું.

આટલું જ નહીં, વાવ-થરાદ અને પાટણ જિલ્લામાં ભારે વરસાદમાં પાણી ભરાયેલા હોય તેમજ રવિ ઋતુમાં વાવેતર થઈ શકે તેમ ન હોય તેવા ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા ખાસ કિસ્સામાં રૂ. 20,000 પ્રતિ હેક્ટર લેખે 2 હેક્ટરની મર્યાદામાં સહાય આપવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે.

ખેડૂતો આ કૃષિ રાહત પેકેજ હેઠળ સહાય મેળવવા અરજી કરી શકે તે માટે આજ 11 નવેમ્બરથી આગામી 15 દિવસ સુધી કૃષિ રાહત પેકેજ પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે. અસરગ્રસ્ત ખેડૂતોએ પોતાના ગામના VCE/VLEના માધ્યમથી સમયમર્યાદામાં કૃષિ રાહત પેકેજ પોર્ટલ પર અરજી કરવાની રહેશે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now