MLA Chaitar Vasava : રાજપીપળામાં યોજાયેલી દિશા મોનિટરિંગ મીટીંગ દરમિયાન આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ લોકકલ્યાણ અને વિકાસના મુદ્દાઓ પર તંત્રને કડક રીતે ઘેર્યા હતા. મીટીંગમાં તેમણે વિવિધ સરકારી યોજનાઓની હાલત, નાગરિક સુવિધાઓ અને તંત્રની નિષ્ક્રિયતા અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા. ચૈતર વસાવાએ સૌથી પહેલા મનરેગા રોજગારી યોજના પર પ્રશ્ન ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે, “છ તાલુકાઓમાં મનરેગાની રોજગારી બંધ છે, એ ક્યારે ચાલુ થશે અને શા માટે બંધ છે?” આ પ્રશ્ન પર અધિકારીઓએ સ્પષ્ટતા આપતાં કહ્યું કે, “10 થી 15 દિવસમાં રોજગારી શરૂ કરાવીશું” જેના પર ચૈતર વસાવાએ કહ્યું કે લોકોની જરૂરિયાત માટે યોજનાઓ તાત્કાલિક ચાલુ કરવી જોઈએ.
“વડાપ્રધાન આવે ત્યારે જ રોડ બને...''
ધારાસભ્યે વિકાસના કામોમાં રાજકીય દેખાવ અને વાસ્તવિક જનહિત વચ્ચેના તફાવત પર પણ તીખી ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું કે, “વડાપ્રધાન આવે ત્યારે જ રોડ બને, તો સામાન્ય લોકો માટે કેમ નહીં?” એ સાથે તેમણે દેવમોગરાના રોડ મુદ્દે પણ સવાલ ઉઠાવ્યો હતો કે, “અહીં રોડ બનાવવા માટે અનેક ઝાડ કપાય છે ત્યારે કાયદો નડતો નથી?” ચૈતર વસાવાએ ચિકદા તાલુકા માટે પણ ખાસ માંગણી રાખી હતી. તેમણે કહ્યું કે, “ચિકદા તાલુકાના નાગરિકોને બસ સ્ટેશનથી મામલતદાર કચેરી સુધી સીધી બસ સુવિધા મળવી જોઈએ” કારણ કે સામાન્ય લોકોને દૈનિક કામકાજ માટે લાંબો રસ્તો પગપાળા કાપવો પડે છે.
એક જ કોન્ટ્રાક્ટર સિસ્ટમનો વિરોધ કર્યો
તેમણે મધ્યાહન ભોજન યોજનામાં એક જ કોન્ટ્રાક્ટર સિસ્ટમનો પણ વિરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, “આ સિસ્ટમને કારણે સ્થાનિક સ્તરે રોજગારીના અવસર ઘટી રહ્યા છે. ગ્રામિણ સ્તરે મહિલાઓ અને સ્વસહાય જૂથોને આ કાર્યમાં જોડવામાં આવે તો વધુ સારું પરિણામ મળશે” મીટીંગમાં ચૈતર વસાવાના સ્પષ્ટ અને તીખા પ્રશ્નો બાદ અધિકારીઓએ અનેક મુદ્દાઓ પર કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. તેમણે સ્પષ્ટ કર્યું કે જનકલ્યાણના કાર્યોમાં અવરોધ ન આવે તે માટે તંત્ર સંકલિત રીતે કામ કરશે.




















