Junagadh Farmer Case : જૂનાગઢ જિલ્લામાં એક અત્યંત દુઃખદ અને હદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં ઈશ્વરીયા ગામના 42 વર્ષીય યુવા ખેડૂત શૈલેષ દેવજીભાઈ સાવલિયાએ આર્થિક સંકડામણથી વ્યથિત થઈ આત્મહત્યા કરી જીવન ટૂંકાવી દીધું. આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ગમગીની અને ચિંતાનું માહોલ પેદા કર્યો છે.
જૂનાગઢમાં આર્થિક સંકડામણથી ખેડૂતોનો આપઘાત
શૈલેષભાઈ પોતાની પત્ની 11 વર્ષના દીકરા અને 16 વર્ષની દીકરી સાથે રહેતા હતા. તેમની પાસે માત્ર સવા દસ વીઘા જમીન હતી, જે પરથી આખો પરિવાર નભતો હતો. આ વર્ષે તેમણે પોતાની જમીનમાં મગફળી, ડુંગળી અને તુવેર જેવા મુખ્ય પાકનું વાવેતર કર્યું હતું.
બાળકો નિરાધાર બન્યા
મૃતકના ભાઈ પ્રફુલભાઈ સાવલિયાએ જણાવ્યું કે. “પાક નિષ્ફળ જવાથી શૈલેષભાઈ ગંભીર આર્થિક સંકડામણમાં આવી ગયા હતા. નિરાશા અને હતાશામાં ખેતરમાં જઈ તેમણે ઝેરી દવા પી લીધી.” ખેતરમાં જ ઝેરી દવા પી લીધા બાદ તેમની તબિયત ગંભીર બની હતી, પરંતુ સારવાર મળ્યા પહેલાં જ તેઓએ પ્રાણ ત્યજી દીધા. આ ઘટનાથી પરિવાર અને ગામના લોકો શોકમગ્ન છે. બાળકો નિરાધાર બન્યા છે અને પરિવાર પર આફત તૂટી પડી છે.
પાક નિષ્ફળએ ખેડૂતની જિંદગી 'નિષ્ફળ બનાવી'!
આ ઘટના ફરી એકવાર યાદ અપાવે છે કે પાક નિષ્ફળતા અને આર્થિક દબાણ વચ્ચે ઘણા નાના ખેડૂત કઈ હદ સુધી સંઘર્ષ કરે છે. પંથકમાં આ ઘટનાને લઈને ભારે વ્યથા અને ચિંતા જોવા મળી રહી છે.




















