Gandhinagar News : ગાંધીનગરના સેક્ટર-30 વિસ્તારમાં આજે સવારે લોખંડી પોલીસ બંદોબસ્ત વચ્ચે મેગા ડિમોલિશન ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. કામગીરી શરૂ કરતાં પહેલાં સમગ્ર વિસ્તારને પોલીસ દ્વારા કોર્ડન ઓફ કરી સુરક્ષા કવચ ઉભું કરવામાં આવ્યું હતું. શહેરમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવાની સરકારની સતત કાર્યવાહી દોર જોવા મળી રહ્યો છે.
1,400થી વધુ ગેરકાયદેસર દબાણો દૂર કરાયા
આ ઓપરેશન દરમિયાન 7 મકાનો અને 2 ધાર્મિક દબાણો સહિત કુલ 1,400થી વધુ ગેરકાયદેસર દબાણો ઉપર તવાઈ બોલવવામાં આવી હતી. આ બધા દબાણો વકફ બોર્ડમાં ગેરકાયદેસર રીતે નોંધાયેલા હોવાનાં પણ અધિકારીઓએ જણાવ્યું છે.
અગાઉ પેથાપુરમાં દબાણો દૂર કરાયા હતા
આ પહેલાં પણ ચરેડી ફાટકથી GEB તરફના વિસ્તારો અને પેથાપુર નજીકના વિસ્તારમાં 900થી વધુ ઝૂંપડાં સહિતનાં દબાણો તોડી પાડવામાં આવ્યા હતા. શહેરમાં ગેરકાયદેસર બાંધકામો સામે કાર્યવાહીનો આ ત્રીજો મોટો તબક્કો ગણાય છે.
'સાતેક મકાનો અને બે ધાર્મિક દબાણો દૂર કરાયા'
ગાંધીનગર ડિવિઝનના ડીવાયએસપી ડી.ટી. ગોહિલે કાર્યવાહી અંગે જણાવ્યું હતું કે, “સવારે જ દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરી હતી. સાતેક મકાનો અને બે ધાર્મિક દબાણો હતા, જે દૂર કરી દેવામાં આવ્યા છે. દિવસ દરમિયાન અન્ય સ્થળોએ પણ દબાણ દૂર કરવાની કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે અને ત્યાં પણ પોલીસ તૈનાત રહેશે”
સ્થાનિકોમાં ચર્ચા અને ચકચાર મચી
સેક્ટર-30માં આજની કાર્યવાહી બાદ સ્થાનિકોમાં ચર્ચા અને ચકચાર મચી છે. શહેરને ગેરકાયદેસર બાંધકામ મુક્ત બનાવવા માટે મહાનગરપાલિકા અને પોલીસ તંત્રની સંયુક્ત કામગીરી આવનાર દિવસોમાં પણ ચાલુ રહેવાની સંભાવના છે.




















