રાજ્ય સરકારના બાગાયત વિભાગ દ્વારા યોજાતા કેમ્પમાં કેનિંગની તાલીમ લઇ વડોદરા શહેરના એક સાસુ અને વહૂએ પરંપરાગત વાનગીઓ તથા વસાણાઓને જીવંત રાખવાનું અભિયાન છેડ્યું છે. સામાન્ય રીતે આપણને હવે નામ પણ સાંભળવા પણ મળે એવી વાનીઓ આ જોડી બનાવી જાણે છે. ખાસ કરીને ગત્ત દિવાળી ઉપર કેસરમણી, વિવિધ પ્રકારના ઘૂઘરા બનાવી સ્વાદપ્રિય લોકોને ભરપેટ ખવડાવ્યા હતા. કેસરમણીનું નામ સાંભળીને વિચારમાં પડી જવાય એ સ્વાભાવિક છે. આ વાનગી બજારમાં નથી મળતી. પણ વડોદરામાં અકોટા વિસ્તારમાં અજીત સોસાયટીમાં રહેતા 52 વર્ષીય ભાવિકાબેન ચોક્સી સારી બનાવી જાણે છે. તેમની વ્યંજનકળા ઉપરાંત શરબત, જામ, ચ્યવનપ્રાશ સહિત બનાવવાની આવડતને કેનિંગની તાલીમને કારણે નવી દિશા મળી છે.
બાગાયત વિભાગમાં 15 દિવસની કેનિંગની તાલીમ
ભાવિકાબેન ચોક્સી વિવિધ પ્રકારના અથાણા, જામ, શરબત ઉપરાંત પરંપરાગત વાનગીઓ બનાવવામાં પારંગત છે. આ કલા તેમને પોતાના માતાપિતા ઉપરાંત 80 વર્ષીય સાસુ મા રમાબેન પાસેથી શીખવા મળી છે. થોડા વર્ષો પહેલા ભાવિકાબેને બાગાયત વિભાગમાં 15 દિવસની કેનિંગની તાલીમ લીધી હતી અને તેના આધારે શરબત, જામ બનાવવાનું શરૂ કર્યું. જેમ કે, તેઓ ગુલાબનું શરબત એટલું સરસ બનાવે કે છે કે બારેય માસ તેનું કામ ચાલે ! વળી, બજારમાં મળતા શરબત કરતા શુદ્ધ અને ગુણવત્તાયુક્ત. એવી જ રીતે શિયાળામાં આમળાનો જામ અને ક્વોશ ! તાલીમમાં શીખેલી પદ્ધતિ અપનાવી આમળાના રસને એવી રીતે સંગ્રહિત કરીને આપે કે બારેય માસ એવોને એવો જ રહે !
પરંપરાગત વાનગીઓ
આટલું જ નહી ! ભાવિકાબેન રાગીની સુખડી, મગસ, મેથીના લાડુ, મોહનથાળ, અડદના લાડુ સહિતની પરંપરાગત વાનગીઓ પણ બનાવે છે. ખાસ તો સગર્ભા મહિલાઓને આરોગવાના થતાં વસાણા અને પોષ્ટિક રાબના પ્રિમિક્સ બનાવે છે. પોષ્ટિક રાબની ભારે ડિમાન્ડ રહે છે. આમાંથી કેટલીક વાનગી બજારમાં મળતી નથી અથવા મળે તો ભાવ ઉંચા હોય છે. તેની સામે ભાવિકાની આ પ્રિમિક્સમાં સ્વાદ ઉપરાંત વસ્તુની વિશ્વસનીયતા હોય છે. જેમ કે, તેઓ શિયાળા આવતા ચીકી બનાવે છે. ઉત્તરાયણ સમયે તેમની ચીકીની ભારે માંગ રહે છે. આ ઉપરાંત દેશી ગોળનો ઉપયોગ કરી ચ્યવનપ્રાશ બનાવે છે. આમળા ઉપરાંત ઘી સહિતની ૧૫ ઔષધીઓનો ઉપયોગ કરી બનાવતા ચ્યવનપ્રાશ સ્વાદિષ્ટ ઉપરાંત આરોગ્યપ્રદ હોય છે.
દર માસે એકંદરે રૂ. દસ હજારની આવક
ચોક્સી પરિવારમાં ચાર પેઢી એક સાથે રહે છે. ભાવિકાબેના સાસુ, પુત્ર વધુ ઉપરાંત પૌત્રો પણ સંયુક્ત કુટુમ્બમાં રહે છે. તેમના પતિ વિકાસભાઇ વેપાર કરે છે. ભાવિકાબેન તેમને મળેલી તાલીમનો ઉપયોગ કરી ઘરે બેસી આ પરંપરાગત વાનગીઓ, જામ, શરબત બનાવી દર માસે એકંદરે રૂ. દસ હજારની આવક મેળવે છે. વિવિધ સંસ્થાઓ દ્વારા ભાવિકાબેનનું સન્માન પણ કરવામાં આવ્યું છે.
વડોદરા શહેરમાં રાવપૂરાના કોઠી કમ્પાઉન્ડમાં જૂની કલેક્ટર કચેરી સ્થિત બાગાયત કચેરીનો સંપર્ક કરવાથી કેનિંગની તાલીમ લઇ શકાય છે.




















