School Mid-Day Meal Scheme : વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં વાવ- થરાદ જિલ્લામાં શિક્ષણક્ષેત્રે નવી અને લોક કલ્યાણકારી પહેલનો પ્રારંભ કરાયો હતો. વાવ-થરાદ જિલ્લાના ભાભર તાલુકાના કુંવાળા પ્રાથમિક શાળા ખાતેથી જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓની ઉપસ્થિતિમાં બાળકો સાથે મધ્યાહન ભોજન લેવાની પહેલનો પ્રારંભ કરાયો હતો. વાવ- થરાદ જિલ્લાના અધિકારીઓ હવે આંગણવાડી અને શાળાના વિદ્યાર્થીઓ સાથે ભોજન કરશે.
'અધિકારીઓ બાળકો સાથે મધ્યાહન ભોજન કરશે'
આ પ્રસંગે અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે, વાવ-થરાદ જિલ્લા વહીવટી તંત્રના 100 જેટલા કલાસ 1 અને 2ના અધિકારીઓ દર અઠવાડિયે શાળા અને આંગણવાડીની મુલાકાત લઈને બાળકો સાથે મધ્યાહન ભોજન કરશે. અધિકારીઓ મધ્યાહન ભોજન સાથે શાળાના શિક્ષણની ગુણવત્તા ચેક કરીને જરૂરી માર્ગદર્શન પૂરું પડશે. જિલ્લા વહીવટી તંત્રની આ પહેલ મધ્યાહન ભોજનની ગુણવત્તા જ નહિ પરંતુ શાળાના શૈક્ષણિક માળખા, ગુણવત્તા સુધારણા અને સુવિધાઓ અંગે પણ માર્ગદર્શક સૂચનો મળી રહેશે.
1090 આંગણવાડીઓ અને 908 પ્રાથમિક શાળાઓ કાર્યરત
અધ્યક્ષ અને મહાનુભાવોએ સ્વયં બાળકો સાથે મધ્યાહન ભોજન કરીને આ પહેલનો પ્રારંભ કરાવ્યો હતો ત્યારે આ પહેલ બાળકોના શિક્ષણ, પોષણ તેમજ તંદુરસ્ત ભવિષ્ય માટે મોટી ઉપલબ્ધિ સાબિત થશે. વાવ–થરાદ જિલ્લામાં હાલ 1090 આંગણવાડીઓ અને 908 પ્રાથમિક શાળાઓ કાર્યરત છે. નવા અભિયાન હેઠળ અધિકારીઓ બાળકોના કુપોષણથી લઈને શાળાની અન્ય તમામ બાબતોનું મૂલ્યાંકન પણ કરશે. ભાભરના કુંવાળાથી શરૂ થયેલી આ પહેલ આગામી સમયમાં વાવ–થરાદ જિલ્લાના શિક્ષણ ક્ષેત્રે મહત્વપૂર્ણ ક્રાંતિ સાબિત થશે.




















