Police Van Accident : અમદાવાદમાં ગોતા વિસ્તારના વંદે માતરમ રોડ પર ગંભીર અકસ્માત સર્જાયો છે. રાતના આશરે 12 વાગ્યે બનેલી આ ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ રીતે કેદ થઈ છે. વીડિયોમાં પોલીસની ગાડી અચાનક બેફામ ઝડપે દોડતી જોવા મળે છે અને ઊભી રહેલી બ્લૂ કલરની કારને જોરદાર ટક્કર મારતી દેખાય છે. આ અથડામણ બાદ પોલીસની ગાડી અનેક વાહનોને અડફેટે લેતી ગઈ હતી.
પોલીસ અને સ્થાનિકોમાં તંગદિલી સર્જાઈ
શનિવારની રાત્રે વંદે માતરમ રોડ પર ભારે અવરજવર હતી, ત્યારે ટ્રાફિક પોલીસની જ ગાડી નિયમોને અવગણીને આવી બેદરકારીથી હંકારવામાં આવી હોવાનો સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. અકસ્માત થયા બાદ ઘટનાસ્થળે ભેગા થયેલા નાગરિકોએ ગાડી ચલાવનાર પોલીસકર્મીને અટકાવી રાખ્યો હતો અને લગભગ બે કલાકથી પોલીસ અને સ્થાનિકોમાં તંગદિલી સર્જાઈ હતી.
જનરક્ષક બની જનભક્ષક
રાતના 2 વાગ્યા સુધી પરિસ્થિતિ તંગ રહી હતી અને લોકોને કાબૂમાં લેવા પોલીસના મોટા ફોર્સ સાથે કુલ પાંચ પોલીસની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. તેમ છતાં સ્થાનિક નાગરિકોએ અકસ્માત કરનાર પોલીસકર્મીને છોડવાનો ઈનકાર કર્યો હતો. સીસીટીવીમાં કેદ થયેલી આ સંપૂર્ણ ઘટના સામે આવતા, જનરક્ષક ગણાતી પોલીસ દ્વારા આ પ્રકારની બેદરકારી પર લોકોમાં ભારે નારાજગી ફાટી નીકળી છે. અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ છે કે નહીં તે અંગે પોલીસ દ્વારા હજી સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.




















