Vadodara News : વડોદરા શહેર અને જિલ્લામાં ચાલી રહેલા મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંગે જિલ્લા ચૂંટણી અધિકારી ડો. અનિલ ધામેલિયાએ મહત્વપૂર્ણ માહિતી આપી હતી. તેમણે આખી સોસાયટી સ્થળાંતરિત થવા કે રિડેવલપમેન્ટ ચાલતી હોય એવી સોસાયટી માટે ખાસ મતદાર સેવા કેમ્પ આયોજન કરવામાં આવ્યું હોવાનું પણ જણાવ્યું હતું.
ડિજિટાઇઝેશન પ્રક્રિયા પણ ઝડપી ગતિએ શરૂ કરવામાં આવી
જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે ખાસ સુધારણા કાર્યક્રમ હેઠળ શહેર વિસ્તારમાં મતદાર યાદીની વિતરણ તથા ચકાસણીનું કામ મોટાભાગે પૂર્ણ થઈ ચૂક્યું છે. વિતરણ કામગીરીથી બહાર રહેલા તમામ વિસ્તારોને પણ આવરી લેવામાં આવ્યા છે. છેલ્લા ત્રણ દિવસ દરમિયાન મોટા પ્રમાણમાં ફોર્મ્સ પ્રાપ્ત થયા છે તથા આજથી તેમની ડિજિટાઇઝેશન પ્રક્રિયા પણ ઝડપી ગતિએ શરૂ કરવામાં આવી છે.
101 વિસ્તારોમાં મતદાર સેવા કેમ્પોનું આયોજન
ડૉ. ધામેલિયાએ વધુમાં જણાવ્યું કે વડોદરા શહેરમાં વસ્તી વધારે હોવાથી ખાસ વ્યવસ્થા રૂપે 101 વિસ્તારોમાં મતદાર સેવા કેમ્પોનું આયોજન કરવામાં આવશે. આ કેમ્પો તા.14 અને તા. 15ના શનિવાર અને રવિવારે ખાસ કેમ્પનું આયોજન કર્યું છે. આવી જ રીતે તા. 22 અને 23 નવેમ્બર એટલે કે આગામી શનિ-રવિવારે પણ આ ખાસ કેમ્પ યોજાશે. સવારે 9:00 થી બપોરે 1:00 વાગ્યા સુધી કાર્યરત રહેશે.
પ્રક્રિયા સમયસર પૂર્ણ કરવા વિનંતી
જે મતદારોને ફોર્મ મળ્યું ન હોય અથવા જેમને મેકિંગ/મેચિંગની પ્રક્રિયામાં મુશ્કેલી પડતી હોય, તેઓ આ કેમ્પોનો લાભ લઈ શકશે. મતદારોએ પોતાના ફોર્મ જમા કરાવવા હોઈ તો તે પણ આ કેન્દ્રોમાં જમા કરી શકશે. મતદારોના સુલભ સંપર્ક માટે દરેક વોર્ડ ઓફિસો ખાતે પણ વધારાના હેલ્પ ડેસ્ક કાર્યરત રાખવામાં આવનાર છે, જેથી કોઈપણ માહિતી, માર્ગદર્શન અથવા સહાય સરળતાથી મળી શકે. જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ તમામ મતદારોને આ ખાસ અભિયાનમાં સક્રિય ભાગ લેવાની અને મતદાર યાદીમાં પોતાનું નામ સાચી રીતે સમાવિષ્ટ થાય તે માટે જરૂરી પ્રક્રિયા સમયસર પૂર્ણ કરવા વિનંતી કરી છે.




















