ગુજરતમાં શિયાળાની અસર દિવસે દિવસે વધી રહી છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં તાપમાન ઘટતા લોકો ઠંડીનો તીવ્ર અનુભવ કરી રહ્યા છે. સતત બીજા દિવસે પણ કચ્છનું નલિયા શહેર 14 ડિગ્રી તાપમાન સાથે રાજ્યમાં સૌથી ઠંડુંગાર શહેર બન્યું છે.
ગુજરતમાં ઠંડીનો પ્રકોપ વધ્યો
હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલા તાપમાનના આંકડા મુજબ આજે અનેક શહેરોમાં લઘુત્તમ તાપમાન 14 થી 17 ડિગ્રીની વચ્ચે નોંધાયું છે. રાજકોટમાં 14.5 ડિગ્રી, ગાંધીનગરમાં 15.5 ડિગ્રી, વડોદરામાં 14.4 ડિગ્રી, અમરેલીમાં 15.2 ડિગ્રી, ભાવનગર અને અમદાવાદમાં 16.6 ડિગ્રી નોંધાયું છે. અન્ય શહેરોમાં કંડલા એરપોર્ટ 14.6, કેશોદ 14.7, ડીસા 15.3, મહુવા 15.6, દીવ 15.8, પોરબંદર 16.4, સુરેન્દ્રનગર 17.0, વલ્લભ વિદ્યાનગર 17.2, જ્યારે સુરતમાં 18.6 અને વેરાવળમાં 19.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
7 દિવસ સુધી વાતાવરણ સુકું રહેશે
આગામી 7 દિવસ સુધી વાતાવરણ સુકું રહેશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. ઉત્તર-પૂર્વ દિશાના ઠંડા પવનો ફૂંકાતા તાપમાનમાં આગામી દિવસોમાં 2 થી 3 ડિગ્રીનો વધુ ઘટાડો થઈ શકે છે. ઠંડીની આવક વધતા લોકોમાં ગરમ કપડાં અને ગરમ પીણાંની માંગ પણ વધી રહી છે. રાજ્યમાં શિયાળાની શરૂઆત જોર પકડી રહી છે અને આગામી દિવસોમાં ઠંડીનો પ્રકોપ વધુ વધવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.




















