ગાંધીનગર જિલ્લાના માણસામાં યોજાયેલા ક્ષત્રિય ઠાકોર સમાજના સંમેલનમાં ઋષિ ભારતી બાપુએ રાજ્યની રાજનીતિ અને ઠાકોર સમાજની ભાગીદારી અંગે મોટા અને ચર્ચાસ્પદ નિવેદન આપ્યું છે. ઠાકોર સમાજના વિશાળ જાહેર મંચ પરથી બોલતાં તેમણે જણાવ્યું કે, 'અલ્પેશ ઠાકોરને ગુજરાત સરકારમાં નાયબ મુખ્યમંત્રી બનાવવાનું નક્કી થયું હતું, અને આ મુદ્દે ગાંધીનગરમાં અનેક બેઠકો પણ યોજાઈ હતી. છતાં અંતે આ નિર્ણય અમલમાં ન આવી શક્યો, જે બાબતે દિલથી દુઃખી છું'.
'...કેટલાક લોકોએ વાઈટ કોલર ગુલામી કરી છે'
ઋષિ ભારતી બાપુએ ટકોર કરતાં કહ્યું કે, 'ઠાકોર સમાજના જ કેટલાક લોકોએ વાઈટ કોલર ગુલામી કરી છે, જેના કારણે સમાજને યોગ્ય રાજકીય સ્થાન મળવામાં અડચણો આવી રહી છે. તેમણે ઉલ્લેખ કર્યો કે ઠાકોર સમાજ માત્ર પોઝિશનમાં નહીં, પરંતુ પાવરમાં આવવાનો પ્રયત્ન કરવો જોઈએ'. બાપુએ વધુમાં જણાવ્યું કે રાજ્યમાં ઠાકોર સમાજ સૌથી વધુ સંખ્યાબળ ધરાવતો મતદાર વર્ગ છે, છતાં મંત્રીમંડળમાં સમાજને યોગ્ય પ્રતિનિધિત્વ મળ્યું નથી. આ વિષયને લઈને ગાંધીનગરમાં અનેક ચર્ચાઓ અને બેઠક તેમની હાજરીમાં યોજાઈ હતી, પરંતુ અંતે પરિણામ ન મળતાં તેમને ખૂબ ખેદ થયો.
'સરકારમાં તમામ સમાજોને યોગ્ય સ્થાન મળી રહ્યું છે'
ઋષિ ભારતી બાપુના આ નિવેદન પર મંત્રી અલ્પેશ ઠાકોરએ પ્રતિસાદ આપ્યો હતો. તેમણે જણાવ્યું કે, “ઋષિ ભારતીએ શું કહ્યું તે હું જાણતો નથી, પરંતુ રાજ્ય સરકારમાં તમામ સમાજોને યોગ્ય સ્થાન મળી રહ્યું છે” તેમના આ નિવેદનથી સંમેલનમાં ઉઠેલી ચર્ચાઓને સંતુલિત કરવાનો પ્રયાસ જોવા મળ્યો. ઠાકોર સમાજના સંમેલનમાં આ ખુલ્લા અને સ્પષ્ટ નિવેદનો બાદ રાજકીય વર્તુળોમાં નવી ચર્ચાઓનું મોજું ઊઠ્યું છે.




















