ભાવનગર શહેરમાં એક હૃદય હચમચાવી નાખતી ઘટના સામે આવી છે, જ્યાં ફોરેસ્ટ કોલોની નજીક ખાડામાંથી ફોરેસ્ટ અધિકારીની પત્ની અને બે સંતાનોની દાટેલી લાશો મળી આવતા સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે. ત્રણેય મૃતક લગભગ 10 દિવસથી ગુમ હતા અને સુરત જવા નીકળ્યા બાદ તેમના વિશે કોઈ માહિતી મળી નહોતી.
ફોરેસ્ટ અધિકારીની પત્ની અને બે સંતાના મૃતદેહ મળ્યા
પોલીસ દ્વારા પ્રાથમિક તપાસમાં એવું જણાયું છે કે, માતા અને બંને સંતાનોની હત્યા કરી લાશોને ઘર નજીક જ દાટી દેવાયા હતા. મૃતદેહો ખાડામાંથી બહાર કાઢતા જ પરિસ્થિતિ વધુ ગંભીર બની ગઈ. આ ઘટના ફોરેસ્ટ વિભાગમાં ફરજ બજાવતા અધિકારીઓ અને સ્થાનિકોમાં ભારે આંચકો આપનાર બની છે. ઘટનાસ્થળે ભાવનગર પોલીસનો મોટો કાફલો પહોંચી ગયો હતો અને તમામ એજન્સીઓ ફોરેન્સિક ટીમ, ડોગ સ્ક્વોડ અને સ્થાનિક પોલીસ તપાસમાં જોડાઈ ગઈ છે.
“ACF પતિ શૈલેષ ખાંભલા શંકાના દાયરામાં''
ભાવનગરના એસપી નિતેશ પાંડેએ મહત્વપૂર્ણ નિવેદન આપતાં જણાવ્યું કે, “ACF પતિ શૈલેષ ખાંભલા શંકાના દાયરામાં છે અને તમામ દિશાઓમાં તપાસ ચાલી રહી છે.” મૂળરૂપે ગુમશુદગીના કેસ તરીકે નોંધાયેલી આ ઘટનાએ હવે હત્યાના સંભાવિત ગુનામાં રૂપાંતર લીધું છે. ત્રણેયના મોતની પાછળના કારણો, શક્ય ઘરેલુ વિવાદો કે અન્ય એંગલ પરથી પોલીસ તપાસ કરી રહી છે. આ ઘટના સમગ્ર ભાવનગર અને ફોરેસ્ટ વિભાગમાં ભારે ચકચાર સર્જી રહી છે. પોલીસ ત્વરિત રીતે પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને અન્ય પુરાવાઓના આધારે આગળની કાર્યવાહી કરશે.




















