ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિના દિવસે આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ આદિવાસી સમાજના મોટા સંમેલનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હાજરીને લઈ તેમણે કડક ટિપ્પણીઓ કરી હતી. ઈસુદાન ગઢવીએ કહ્યું કે, ચૈતર વસાવાની લોકપ્રિયતા એટલી વધી ગઈ છે કે દરેક આદિવાસીના દિલમાં હવે તેઓ વસી ગયા છે.
''ચૈતર વસાવાની વધતી લોકપ્રિયતા...''
ઈસુદાન ગઢવીએ દાવો કર્યો કે, ચૈતર વસાવાની વધતી લોકપ્રિયતા અને વધી રહેલા જનસમર્થનને જોતા જ પ્રધાનમંત્રી મોદીને ડેડીયાપાડા આવવું પડ્યું. તેમણે તીખા પ્રહાર કરતાં કહ્યું કે, AAP જેવી રીતે આદિવાસી વિસ્તારોમાં મજબૂત બની રહી છે, તેના સામે ભાજપનો કોઈપણ સ્થાનિક નેતા ટકી શકે એમ નથી, તેથી જ પીએમ મોદીને જાતે આવવું પડે છે.”
''જિ-તા પંચાયત જેવી નાની ચૂંટણીઓમાં પણ પ્રધાનમંત્રી આવશે?”
તેમણે સવાલ ઉઠાવ્યો કે, “શું હવે જિલ્લા અને તાલુકા પંચાયત જેવી નાની ચૂંટણીઓમાં પણ પ્રધાનમંત્રી આવશે?” સાથે સાથે ગઢવીએ આક્ષેપ કર્યો કે પીએમ મોદીની સભામાં ભીડ ભેગી કરવા મહારાષ્ટ્રથી લોકો લાવવામાં આવ્યા હતા, અને છતાં પણ લોકો મોટી સંખ્યામાં આવ્યા નહોતા. બીજી તરફ, ચૈતર વસાવાની સભામાં કોઈ વ્યવસ્થા વિના સ્વયંભૂ લાખો લોકો જોડાયા, જેનાથી સાબિત થાય છે કે આદિવાસી સમાજ જાગૃત થઈ ગયો છે અને AAP સાથે ઊભો છે.
'આદિવાસી સમાજ હવે ભાજપને પસંદ કરતો નથી'
ઈસુદાન ગઢવીએ વધુમાં આરોપ લગાવ્યો કે ભાજપ સરકાર દ્વારા આદિવાસી સમાજના જળ, જંગલ, જમીન અને અધિકારોને લૂંટવામાં આવ્યા, જ્યારે આ મુદ્દાઓ પર ચૈતર વસાવા આદિવાસીઓનો સાચો અવાજ બની રહ્યા છે. ગઢવીએ કહ્યું કે આજની પરિસ્થિતિ સ્પષ્ટ કરે છે કે આદિવાસી સમાજ હવે ભાજપને પસંદ કરતો નથી.
“પ્રધાનમંત્રીની પોતાની આબરૂ ઘટશે”
સરકારની કામગીરી અંગે ટકોર કરતાં તેમણે કહ્યું કે, “દેશમાં આતંકવાદી હુમલા વધી રહ્યા છે અને દેશની આર્થિક સ્થિતિ પણ સારી નથી, ત્યારે પ્રધાનમંત્રી મોદીએ આ મહત્વના મુદ્દાઓ પર ધ્યાન આપવું જોઈએ.” સાથે જ તેમણે ચેતવણી આપી કે વારંવાર નાની ચૂંટણીઓમાં હાજરી આપવાથી “પ્રધાનમંત્રીની પોતાની આબરૂ ઘટશે.”




















