logo-img
Pm Modi To Visit Gujarat Today Tribal Pride Day Will Be Held In Narmada

PM મોદી આજે ગુજરાત પ્રવાસે : નર્મદામાં જનજાતીય ગૌરવ દિવસની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી કરશે, ₹9700 કરોડથી વધુના વિકાસકાર્યો આપશે ભેટ

PM મોદી આજે ગુજરાત પ્રવાસે
Published by: Offbeat Team
| Last Updated: Nov 15, 2025, 04:26 AM IST

PM Modi Gujarat Tour : જનજાતીય નાયકોના શૌર્ય અને અમૂલ્ય યોગદાનને સન્માનિત કરવા માટે સમગ્ર દેશમાં જનજાતીય ગૌરવ વર્ષની ઉજવણી થઇ રહી છે. આજે 15 નવેમ્બર 2025ના દિવસે કેન્દ્ર સરકાર દ્વારા ધરતી આબા ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ગુજરાતના નર્મદા જિલ્લા ખાતે જનજાતીય ગૌરવ દિવસની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. નર્મદાના ડેડિયાપાડા ખાતે આયોજિત આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કેન્દ્ર તથા રાજ્ય સરકારના ₹9700 કરોડથી વધુના વિકાસકાર્યોની ભેટ આપવામાં આવશે. આ રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેવમોગરા ધામમાં માતાજીની પૂજા અર્ચના કરીને આશીર્વાદ લેશે. સાતપુડાની ગિરિમાળામાં આવેલું આ ધામ આદિજાતિ સમાજના લોકોની શ્રદ્ધાનું કેન્દ્ર છે. વડાપ્રધાનની મુલાકાત દરમિયાન રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતના આદિજાતિ કલાકારો પરંપરાગત પરિવેશમાં તેમનું સ્વાગત કરશે.

₹9700 કરોડથી વધુના વિકાસકાર્યોની ભેટ

ગુજરાતની વિકાસયાત્રાને મજબૂત બનાવવા માટે આ ઉજવણીના ભાગરૂપે કેન્દ્ર સરકાર તરફથી ₹7667 કરોડ અને રાજ્ય સરકાર તરફથી ₹2112 કરોડના વિકાસકાર્યોની ભેટ આપવામાં આવશે. આ દિવસે સાંજના સમયે ધરતી આબા ભગવાન બિરસા મુંડાના જીવન પર આધારિત એક વિશેષ નાટ્ય પ્રસ્તૂતિનું આયોજન એકતાનગર ખાતે કરવામાં આવ્યું છે. આ ઉજવણીનું જીવંત પ્રસારણ રાજ્યના આદિજાતિ જિલ્લાના 23 તાલુકાઓમાં કરવામાં આવશે. આ કાર્યક્રમમાં વડાપ્રધાનશ્રી સભાને સંબોધિત પણ કરશે.

રાજ્ય સરકાર તરફથી ખાતમુહૂર્ત થનારા વિકાસકાર્યો

માર્ગ અને મકાન વિભાગ : મોવી-ડેડિયાપાડા રોડ, અવધા-તુતરખેડ રોડ, બારડોલી-મહુઆ રોડનું ફોર લેનિંગ, વડોદરા-ડભોઇ રોડ પર R.O.B.L.C (રોડ ઓવરબ્રિજ કમ લેવલ ક્રોસિંગ), હાંસપોર અબ્રામા અમલસાડ રોડ પર એરુ ચાર રસ્તા પાસે મેજર બ્રિજનું પુન:નિર્માણ, નેનપુર હલધરવાસ બાર મુવાડા રોડને પહોળો અને મજબૂત કરવાની કામગીરી, સુરખાય-અનાવલ- ભીનાર રોડ અને સિંધરોટ - શેરખી – કોયલી રોડને ફોર લેન કરવાની કામગીરી.

શહેરી વિકાસ વિભાગ: વડોદરાના ખાનપુર ખાતે મલ્ટિએક્ટિવિટી સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સનું નિર્માણ, કોયલી ટીપી સ્કિમ ખાતે ભૂગર્ભ ડ્રેનેજ નેટવર્ક, આણંદના ખંભાતમાં પાણી પુરવઠા યોજના અને સુરતમાં મહારાણા પ્રતાપ જંક્શન (લિંબાયત ઝોન) ખાતે ફ્લાય ઓવર બ્રિજનું નિર્માણ.

સ્વાસ્થ્ય વિભાગ:

પંચમહાલના હાલોલમાં 100 બેડની ક્ષમતા ધરાવતી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ.

જળ સંસાધન વિભાગ: વડોદરામાં વાઘોડિયા ખાતે આજવા સરોવર પર બાંધનું નિર્માણ.

રાજ્ય સરકાર તરફથી લોકાર્પણ થનારા વિકાસકાર્યો

માર્ગ અને મકાન વિભાગ : ડાંગમાં વઘઇ-સાપુતારા રોડ, તાપીમાં રિસર્ફેસ થયેલ ઉચ્છલ-નિઝર રોડ.

પાણી પુરવઠા વિભાગ: છોટાઉદેપુરમાં હાંદોડ અને રોઝકુવા ખાતે પાણી પુરવઠા યોજનાઓ અંતર્ગતના કાર્યો.

ગ્રામ વિકાસ વિભાગ: પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) અંતર્ગત સમગ્ર રાજ્યમાં 61,125 આવાસોનું લોકાર્પણ.

શહેરી વિકાસ વિભાગ: નવસારી મહાનગરપાલિકામાં મોડર્ન ટાઉનહોલ.

રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ: નર્મદામાં સ્માર્ટ ગ્રીન તાલુકા લાઇબ્રેરી.

કેન્દ્ર સરકારના વિકાસકાર્યો

કેન્દ્ર સરકાર તરફથી આદિજાતિ બાબતોના મંત્રાલય દ્વારા સમગ્ર દેશમાં ₹7667 કરોડના મૂલ્યની વિવિધ પરિયોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ પ્રસંગે 4 વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને 6 વિકાસકાર્યોનું લોકાર્પણ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે.

ખાતમુહૂર્ત થનારા વિકાસકાર્યો

₹3777 કરોડના ખર્ચે 190 આશ્રમ શાળાઓ, 50 એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ, 14 ટ્રાઇબલ મલ્ટી માર્કેટિંગ કેન્દ્રો અને 748 કિ.મી રોડ કનેક્ટિવિટી (6 કિ.મી બ્રિજ સાથે) પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે.

આ વિકાસકાર્યોનું લોકાર્પણ થશે

સમગ્ર આદિજાતિ વિસ્તારોમાં પીએમ-જનમન અને ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન (DAJGUA) અંતર્ગત 01 લાખ પાકા આવાસો, 10 હજાર ઘરોમાં નળ કનેક્શન, 228 મલ્ટી પર્પઝ સેન્ટર્સ, 42 એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ, દિબ્રૂગઢ ખાતે આસામ મેડિકલ કોલેજમાં 1 સેન્ટર ઓફ કમ્પિટન્સ અને મણિપુરમાં ઇમ્ફાલ ખાતે ટ્રાઇબલ રિસર્સ ઇન્સ્ટિટ્યૂટ માટે વહીવટી કમ તાલીમ બિલ્ડિંગ.

ગુજરાતમાં જનજાતીય ગૌરવ રથયાત્રા દ્વારા ઉજવણી

ગુજરાતમાં જનજાતીય ગૌરવ વર્ષની ઉજવણીના ભાગરૂપે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં જનજાતીય ગૌરવ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના 14 આદિજાતિ જિલ્લાઓમાં આયોજિત આ રથયાત્રા બે રૂટમાં (ઉમરગામથી એકતાનગર અને અંબાજીથી એકતાનગર) શરૂ થઇ છે, જેનું સમાપન 13 નવેમ્બર 2025ના રોજ એકતાનગર ખાતે કરવામાં આવ્યું. અત્યાર સુધી આ રથયાત્રામાં 7 લાખથી વધુ લોકો અલગ અલગ કાર્યક્રમોમાં સામેલ થયા છે. કાર્યક્રમ દરમિયાન 282 આરોગ્ય શિબિર, 63 સેવાસેતુ કાર્યક્રમ તેમજ સફાઇ કાર્યક્રમ, શાળા-કૉલેજોમાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. આદિજાતિ જિલ્લાઓ સિવાય રાજ્યના 20 અન્ય જિલ્લાઓમાં પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરીને લોકોમાં ધરતી આબા ભગવાન બિરસા મુંડાના જીવન અને તેમના યોગદાન વિશે જાગરૂકતા લાવવામાં આવી રહી છે.

એકતાનગર ખાતે પેવેલિયનનું ઉદ્ઘાટન

જનજાતીય ગૌરવ વર્ષ 2025ની ઉજવણીના ભાગરૂપે 1 નવેમ્બર 2025ના રોજ એકતાનગર ખાતે ધરતી આબા ભગવાન બિરસા મુંડાના જીવન પર રાષ્ટ્રીય સ્તરની એક દિવસીય સંગોષ્ઠિનું આયોજન કરવામાં આવ્યું હતું. તે સિવાય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે બિરસા મુંડાના જીવન પર આધારિત ઝાંખી અને પ્રદર્શન માટેના પેવેલિયનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આદિજાતિ સમાજની પરંપરાગત હસ્તકલા અને વાનગીઓના પ્રોત્સાહન અને વેચાણ માટે 10 સ્ટોલનું ઉદ્ઘાટન પણ મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવ્યું હતું.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now