રાજકોટના નવાગામ વિસ્તારમાં આવેલી શક્તિ સોસાયટીમાં ગત દિવસે એક ગંભીર અને હૃદયદ્રાવક ઘટના બની હતી. અહીં રહેતા 32 વર્ષીય અસ્મિતાબેન જયેશભાઈ સોલંકીએ પોતાની બે નાની દીકરીઓ, 7 વર્ષની પ્રિયાંશી અને 5 વર્ષની હર્ષિતાને નાયલોનની દોરી વડે ગળે ટૂંપો આપીને મોતને ઘાટ ઉતાર્યા બાદ પોતે પણ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. માતા અને બે દીકરીઓના મૃતદેહો સાથે મળી આવતા સમગ્ર વિસ્તારમાં શોક અને આઘાત છવાઈ ગયો હતો.
સમગ્ર મામલે પોલીસે તપાસ હાથધરી
બનાવની જાણ થતાં જ સ્થાનિક પોલીસ સ્ટાફ સાથે ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને સમગ્ર ઘટના અંગે તપાસ શરૂ કરી હતી. મૃતકના દિયર તુષાર સોલંકીએ જણાવ્યું હતું કે, તેમને ફોન આવ્યો હતો કે “અહીં આવો બનાવ બનેલો છે, જેમાં બે છોકરીઓ અને તેમની મમ્મીએ પગલું ભરી લીધું છે.”
પરિવાર ઊંડા આઘાતમાં
પરિવાર અંગે મળતી વિગતો મુજબ, આર્થિક સ્થિતિ સારી હતી અને કોઈ ખાસ મુશ્કેલી કે તણાવ હોવાનો કોઈ સંકેત અગાઉ જોવા મળ્યો નહોતો. મૃતકના પતિ જયેશભાઈ મજૂરીકામ કરે છે અને પરિવાર છેલ્લા 10 વર્ષથી વધુ સમયથી આ વિસ્તારમાં રહેતો હતો. આ કરૂણ બનાવે સમગ્ર નવાગામ વિસ્તારમાં દુઃખની લાગણી ફેલાવી દીધી છે અને સૌ કોઈ આ ઘટનાથી ઊંડા આઘાતમાં છે.




















