બનાસકાંઠા જિલ્લામાં કેન્દ્રીય નાર્કોટિક્સ બ્યુરોની ટીમે એક વધુ મોટી કાર્યવાહી અંજામ આપતા પાલનપુરથી પ્રતિબંધિત દવાઓનો અંદાજે એક કરોડ રૂપિયાનો જથ્થો જપ્ત કર્યો છે. પાલનપુર ખાતે આવેલા એક ગોડાઉનમાં છાપો મારી બ્યુરોએ વિશાળ પ્રમાણમાં નશીલી દવાઓનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
કંપનીના માલિકની તપાસમાં ખુલ્યું
આ કાર્યવાહી દરમિયાન 2800 કોડીનની બોટલો, 26,000 ટ્રામાડોલના ઇન્જેક્શન, તેમજ અન્ય ગેરકાયદેસર તૈયાર કરેલી દવાઓનો વિશાળ જથ્થો મળ્યો હતો. બ્યુરોએ આ તમામ મુદ્દામાલ જપ્ત કરીને પાલનપુર પોલીસ મથકને સોંપી દીધો છે. માહિતી મુજબ, ચાર દિવસ પહેલા એન્ડી ફાર્માસ્યુટિકલ કંપનીના માલિક સમીક્ષા મોદી અને તેના પતિ સુનિલ મોદીને ધરપકડ કરવામાં આવી હતી. રિમાન્ડ દરમિયાન પૂછપરછમાં બંનેએ પાલનપુરના ગોડાઉનમાં મોટો જથ્થો છૂપાવ્યો હોવાની કબૂલાત આપી હતી, જેના આધારે બ્યુરોએ આ રેડ કરી સફળતા મેળવી.
ધાનેરા અને થરાદમાંથી બે આરોપીઓ ઝડપાયા
જણાવવામાં આવ્યું છે કે, ફેબ્રુઆરી મહિનામાં ધાનેરા અને થરાદ વિસ્તારમાં પણ નાર્કોટિક્સ બ્યુરોએ રેડ કરીને બે આરોપીઓને પકડી પાડ્યા હતા. અગાઉ પકડાયેલા આરોપીઓએ એન્ડી ફાર્માસ્યુટિકલનું લાઇસન્સ રદ થવાના ડરથી જમા કરાવી દીધું હતું, પરંતુ તે પછી પણ ગેરકાયદેસર રીતે નશીલી દવાઓનું ઉત્પાદન અને સપ્લાય ચાલુ રાખ્યું હોવાનું બહાર આવ્યું છે. બ્યુરોએ સમગ્ર મુદ્દામાલ જપ્ત કરીને વધુ કડક તપાસ શરૂ કરી છે. આ કાવતરું કેટલા વિસ્તારોમાં ફેલાયેલું હતું અને કેટલા લોકો જોડાયેલા છે તે અંગે તપાસ ચાલુ છે.




















