Navsari Crime News : નવસારી જિલ્લાના બીલીમોરા તાલુકાના દેવસર ગામે આવેલી મહારાજા એપાર્ટમેન્ટમાં ફિલ્મ ‘વશ’ જેવી હચમચાવી નાખે તેવી ઘટના સામે આવી છે. અહીં એક મહિલાએ રાત્રે સપનામાં મળેલા “આદેશ”ને સાચો માની પોતાના જ બે સંતાનોનું ગળું દબાવીને મધરાતે હત્યા કરી નાખી. આ દુઃખદ અને સંવેદનશીલ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે.
બીલીમોરામાં ‘વશ’ જેવી હચમચાવી દેતી ઘટના
માહિતી મુજબ, મહિલાને રાત્રે સપનામાં અવાજ આવ્યો કે “તારાં બાળકોને મારી નાખ”. સપનામાં મળેલા આ આદેશથી ગભરાયેલી મહિલાએ જાગીને બાજુમાં સુતા પોતાના બે બાળકનું ગળું દબાવી દીધું. બાળકોના જીવ જતા ઘરમાં હાહાકાર મચી ગયો. એ દરમિયાન મહિલાએ પોતાના સસરાને પણ મારવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ સસરા ઘરમાંથી ભાગી જતાં તેમનો જીવ બચી ગયો.
મહિલાને ગળાફાંસો ખાતાં પોલીસે અટકાવી!
સસરાની બૂમાબૂમ સાંભળતા આજુબાજુના લોકો દોડી આવ્યા અને સ્થિતિ કાબૂમાં લેવાનો પ્રયત્ન કર્યો. આ દરમિયાન મહિલાએ પોતે પણ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પોલીસ સમયસર પહોંચી ગયાં હોવાથી પોલીસે મહિલાને ગળાફાંસો ખાતાં અટકાવીને તેને ઝડપી લીધી છે. ઘટના સમયે મહિલાનો પતિ ઘરે હાજર નહોતો, કારણ કે તેને ટાઈફોઈડ હોવાથી તે બીલીમોરાની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.




















