Bhavnagar Crime News : ભાવનગરમાં એક હ્રદયદ્રાવક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં ફોરેસ્ટ વિભાગમાં ફરજ બજાવતા અધિકારી શૈલેષ ખાંભલા પર પોતાની પત્ની અને બે સંતાનોની હત્યા કરવાનો આરોપ લાગ્યો છે. 5 નવેમ્બરે ગુમ થયેલા ત્રણેયના મૃતદેહો 16 નવેમ્બરે ફોરેસ્ટ કોલોનીમાં તેમના પોતાના ઘરથી માત્ર 20 ફૂટ દૂર અને 7 ફૂટ ઊંડા ખાડામાંથી મળી આવ્યા હતા.
મૃતદેહોને ખાડો ખોદી પથ્થરો બાંધી દાટી દેવામાં આવ્યા
શૈલેષ ખાંભલાએ 7 નવેમ્બરે પોતાની પત્ની નયનાબેન, દીકરી પૃથા, અને દીકરા ભવ્ય ગુમ થયા હોવાની જાણ પોલીસને કરી હતી. જોકે તપાસમાં બહાર આવ્યું કે, ત્રણેયને મારી નાખ્યા બાદ 10 દિવસ પછી પોતાના ક્વાર્ટર પાસે જ વિશાળ ખાડો ખોદી પથ્થરો બાંધી દાટી દેવામાં આવ્યા હતા. ભાવનગર પોલીસે શૈલેષ ખાંભલા વિરુદ્ધ હત્યાનુ ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ શરૂ કરી છે. મૃતકોના પોસ્ટમોર્ટમ બાદ પતિ શૈલેષ હાજર ન હોવાથી અને અન્ય પરિવારજનોની ઉપસ્થિતિમાં રવિવારે રાત્રે અંતિમવિધિ કરાઈ હતી.
મૃતકના ભાઈના ગંભીર આક્ષેપ, તપાસનો વિષય
મૃતક નયનાબેનના ભાઈએ ગંભીર શંકા વ્યક્ત કરતાં જણાવ્યું કે,“જે રીતે લાશોને ઘરમાંથી અહીં લાવવામાં આવી છે અને પથ્થરો બાંધી દાટવામાં આવી છે, તે એક વ્યક્તિનું કામ નથી. આ રાક્ષસી કૃત્યમાં ચોક્કસ ઘણા લોકો સંડોવાયેલા છે. આવા ગુનાહિતોને ફાંસીની સજા થવી જોઈએ” ઘટનાને લઈને એક વધુ બાબત સામે આવી છે કે, પરિવારને રીક્ષામાંથી ઉતરતા CCTV માં દેખાયા હોવાનું કહેવાઈ રહ્યું હતું, પરંતુ પોલીસના જણાવ્યા મુજબ તે ખોટી વાતો ફેલાવી તપાસને ભટકાવવાનો પ્રયાસ હતો.
પોલીસ તપાસ તેજ
ભાવનગર પોલીસે હાલ પુરાવા એકત્રિત કરી રહ્યા છે, અને હત્યાના કારણો, સંડોવાયેલા અન્ય લોકો તેમજ ઘટનાક્રમની સંપૂર્ણ તપાસ ચલાવી રહી છે. શહેરમાં આ બનાવના પગલે શોક અને રોષની લાગણી ફેલાઈ છે.




















