Bhavnagar Crime News : ભાવનગર જિલ્લા પોલીસ વડાની મોટી કાર્યવાહી સામે આવી છે. ફરાર આરોપીને આશરો આપવા અને ઘરમાંથી દારૂ મળી આવવા મામલે બે મહિલા પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. એટ્રોસિટીના ગુનામાં વોન્ટેડ પાર્થ ધાંધલિયા નામના આરોપીને ભાવનગર પોલીસ શોધી રહી હતી, પણ તપાસ કરતાં આ વોન્ટેડ પાર્થ મહિલા કોન્સ્ટેબલના ઘરમાંજ છુપાયો હતો.
આરોપી કોન્સ્ટેબલ સામે 2 ગુના નોંધવામાં આવ્યા
વોન્ટેડ આરોપી પાર્થ નયના બારૈયાના ઘરમાં જ સંતાયો હોવાની વરતેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે કોન્સ્ટેબલ નયના ઘરે રેડ કરતાં આરોપી સાથે કોન્સ્ટેબલના ઘરમાં દારૂની બોટલ અને ખાલી બિયરના ટીન પણ મળી આવ્યા હતા જેથી આરોપી કોન્સ્ટેબલ સામે 2 ગુના નોંધવામાં આવ્યા હતા
'બે મહિલા પોલીસ કોન્સ્ટેબલ હતા'
આ કેસમાં ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાઈ હતી, જેમાંથી એક આરોપી પાર્થ અંગે પોલીસને બાતમી મળી હતી કે તે સીદસર વિસ્તારમાં આવેલા એક મકાનમાં છુપાયો છે. પોલીસે માહિતીના આધારે સીદસર સ્થિત મકાનમાં રેડ પાડી, જ્યાં પાર્થ હાજર મળી આવ્યો અને તેને ઘટનાસ્થળેથી રાજકીય રીતે કાબૂમાં લેવાયો. તપાસ દરમિયાન ખુલ્યું કે, આરોપીને આશરો આપનાર બે મહિલા પોલીસ કોન્સ્ટેબલ હતા.
મહિલા કોન્સ્ટેબલોમાંથી એક વૈભવી જીવનશૈલી જીવતી
મહત્વનું એ છે કે, આરોપીને આશરો આપનાર મહિલા કોન્સ્ટેબલોમાંથી એક વૈભવી જીવનશૈલી જીવતી હતી, જેના વીડિયો અને ફોટા તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જોવા મળ્યા હતા. આ વર્તન અને ગંભીર અનિયમિતતાઓને ધ્યાનમાં રાખીને જિલ્લા પોલીસ વડાએ બંને મહિલા પોલીસ કર્મીઓને તાત્કાલિક સસ્પેન્ડ કર્યા છે.




















