Gujarat Crime Branch Action : ગુજરાત ક્રાઇમ બ્રાન્ચે રાજ્યમાં કાર્યરત એક વિશાળ ગાંજા નેટવર્કનો પર્દાફાશ કરીને ઓડિસાના રહેવાસી અનિલ પાંડેને દબોચી લીધો છે. જે 990 કિલો ગાંજા કેસમાં ઓડિસા STFને વોન્ટેડ હતો અને તેના વિરુદ્ધ ગુજરાતમાં પણ 12 ગંભીર ગુના નોંધાયેલા હતા.
આખો પરિવાર જ ગાંજાની હેરાફેરીમાં સંકળાયેલો હતો
તપાસમાં ચોંકાવનારી માહિતી સામે આવી છે કે, અનિલ પાંડેનો પિતા, ભાઈ અને આખો પરિવાર જ ગાંજાની હેરાફેરીમાં સંકળાયેલો હતો. પરિવારનું નેટવર્ક ટ્રેન અને ટ્રક મારફતે ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ગાંજા સપ્લાય કરતું હતું. પોલીસે શંકા વ્યક્ત કરી છે કે, આ નેટવર્ક લાંબા સમયથી આંતરરાજ્ય સ્તરે સક્રિય હતું.
2021માં પણ પકડાયો હતો
અનિલ પાંડે વર્ષ 2021માં પણ પકડાયો હતો, પરંતુ ત્યારબાદ ફરીથી ગેરકાયદે ધંધામાં સામેલ થઈ ગયો હતો. ગુજરાતમાં તે અમદાવાદના વટવા અને ગ્રામ્ય વિસ્તારોમાં ગોડાઉન ભાડે લઈને ગાંજા સપ્લાય નેટવર્ક ચલાવતો હતો. ગોડાઉનમાં માલ સંગ્રહ કરીને રાજ્યના વિવિધ વિસ્તારોમાં પુરવઠો કરવામાં આવતો હતો.
આરોપીના તાર ગાંજાની ખેતીથી લઈ વેચાણથી સુધી...
આરોપીના તાર ઓડિસાના નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં ગાંજાની ખેતી સુધી જોડાતા પોલીસે વધુ સઘન તપાસ શરૂ કરી છે. ખેતીથી લઈને ટ્રાન્સપોર્ટેશન અને નેટવર્કના નાણાકીય સ્ત્રોત સુધી તમામ પાસાઓની તપાસ ચાલી રહી છે. પોલીસ કાર્યવાહી બાદ ગુજરાત અને ઓડિસાના ગાંજા માફિયાઓને મોટો ઝટકો લાગ્યો છે અને નેટવર્કના અન્ય સાગરિતોને પકડવા માટે ઝડપી ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યા છે.




















