Rajasthan News : રાજસ્થાનના જોધપુર અને બાલેસર વચ્ચે આજે વહેલી સવારે એક ગંભીર અકસ્માત સર્જાયો છે. સવારે આશરે 5 વાગ્યે ખારી બેરી ગામ નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર શ્રદ્ધાળુઓથી ભરેલો ટેમ્પો અનાજની બોરીઓ ભરેલા મોટા ટ્રેલર સાથે જોરદાર અથડાયો હતો.
રાજસ્થાનમાં ગુજરાતીઓને નડ્યો અકસ્માત
બાલેસર પોલીસ સ્ટેશનના અધિકારી મૂલ સિંહ ભાટી દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે, ટેમ્પોમાં ગુજરાતના બનાસકાંઠા અને ધનસુરા જિલ્લાના કુલ 20 શ્રદ્ધાળુઓ બેઠેલા હતા. તેઓ રાજસ્થાનના જાણીતા તીર્થસ્થાન રામદેવરા તરફ જઈ રહ્યા હતા.
અકસ્માતમાં પાંચના મોત
અકસ્માત એટલો ભયાનક હતો કે ત્રણ મહિલાઓ સહિત ઘટનાસ્થળે પાંચ લોકોએ જીવ ગુમાવ્યા. બાકી શ્રદ્ધાળુઓને ઈજા પહોંચી છે અને ઘાયલોને નજીકના હોસ્પિટલોમાં ખસેડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પોલીસ અકસ્માતના કારણો જાણવા માટે વધુ તપાસ કરી રહી છે. ટ્રેલર અને ટેમ્પો કઈ દિશાથી આવી રહ્યા હતા, તથા ઝડપ કે બેદરકારીમાં કોઈ ત્રુટિ હતી કે નહીં તે અંગે તપાસ હાથ ધરાઈ છે.
મૃતકોના નામ
પ્રિતેશ ભરતભાઈ પ્રજાપતિ (મીની ટેમ્પોના ચાલક) (તા.તલોદ, સાબરકાંઠા)
કેશાભાઈ કોહ્યાભાઈ વાળંદ (તા.તલોદ, સાબરકાંઠા)
અર્જુનસિંહ લાલસિંહ સોલંકી તા.તલોદ, સાબરકાંઠા)
નવ્યા કાળુસિંહ પરમાર (તા.ધનસુરા, અરવલ્લી)
સોનલ કાળુસિંહ પરમાર (તા.ધનસુરા, અરવલ્લી)




















