Home International Bengal First Opinion Poll Will Bjp Make Dent In Mamata Stronghold Know The Publics Mood

બંગાળનો પહેલો ઓપિનિયન પોલ : શું ભાજપ મમતાના ગઢમાં ગાબડું પાડશે? જાણો જનતાનો મૂડ

બંગાળનો પહેલો ઓપિનિયન પોલ
Published by: OBS Bureau
Last Updated: Mar 17, 2026, 11:48 AM IST

Assembly Elections 2026: પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીનો શંખનાદ ફૂંકાઈ ગયો છે. ચૂંટણી આયોગે તારીખોની જાહેરાત કરી દીધી છે અને તેની સાથે જ બંગાળનું રાજકીય તાપમાન ચરમસીમાએ પહોંચ્યું છે. આ વખતે રાજ્યમાં મુખ્ય મુકાબલો સત્તાધારી TMC (તૃણમૂલ કોંગ્રેસ) , ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જોવા મળી રહ્યો છે. ભાજપ કોઈપણ ભોગે 'દીદી'ના કિલ્લાને ધ્વસ્ત કરવા માંગે છે, તો બીજી તરફ મમતા બેનર્જી હેટ્રિક ફટકારી ફરી સત્તા કબજે કરવા તૈયાર છે.

શું કહે છે મેટરાઈઝ-IANS નો ઓપિનિયન પોલ?

ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ 'મેટરાઈઝ-IANS'નો પ્રથમ ઓપિનિયન પોલ સામે આવ્યો છે. આ સરવે મુજબ બંગાળની જનતા હજુ પણ મમતા બેનર્જી પર ભરોસો મૂકી રહી હોય તેવું જણાય છે. જોકે, ભાજપને ગત ચૂંટણી કરતા મોટો ફાયદો થતો દેખાય છે, પણ તે સત્તાથી દૂર રહી શકે છે.

સીટોનું સંભવિત ગણિત:

  1. TMC: 155 થી 170 સીટો

  2. ભાજપ: 100 થી 115 સીટો

  3. AIMIM (ઓવૈસી): 5 થી 6 સીટો

  4. કોંગ્રેસ/અન્ય: 0 થી 1 સીટ

આ પોલ મુજબ કોંગ્રેસનું સૂપડું સાફ થઈ શકે છે, જ્યારે અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી 'કિંગ મેકર' નહિ તો પણ ચોંકાવનારું પ્રદર્શન કરી 5-6 બેઠકો જીતી શકે છે.

વોટ શેરમાં રસાકસી

ઓપિનિયન પોલ અનુસાર, આ વખતે TMC અને ભાજપ વચ્ચે વોટ ટકાવારીમાં બહુ મોટો તફાવત નહીં રહે. TMC ને 43-45% અને ભાજપને 41-43% વોટ મળવાની શક્યતા છે. 2021ની ચૂંટણીમાં TMC ને 48.5% વોટ સાથે 213 બેઠકો મળી હતી, જ્યારે ભાજપને 38.6% વોટ સાથે 77 બેઠકો મળી હતી. આ વખતે ભાજપનો વોટ શેર વધતો દેખાય છે, જે મમતા માટે ચિંતાનો વિષય બની શકે છે.

હુમાયુ કબીર: ભાજપ માટે 'ફાયદો' કે TMC માટે 'નુકસાન'?

બંગાળની ચૂંટણીમાં મુસ્લિમ મતો હંમેશા નિર્ણાયક રહ્યા છે. TMC ના સસ્પેન્ડેડ ધારાસભ્ય હુમાયુ કબીરે 'જનતા ઉન્નયન પાર્ટી' બનાવીને મેદાનમાં ઝંપલાવ્યું છે. મુર્શિદાબાદ પટ્ટામાં તેમનો પ્રભાવ મમતા બેનર્જીના મતોમાં ગાબડું પાડી શકે છે. જો મુસ્લિમ મતોનું વિભાજન થાય, તો તેનો સીધો ફાયદો ભાજપને મળી શકે તેમ છે.

ચૂંટણીનું શિડ્યુલ એક નજરે

આ વખતે બંગાળમાં કાયદો અને વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને ચૂંટણી પ્રક્રિયા પર ખાસ નજર રાખવામાં આવી રહી છે. મતદાન બે તબક્કામાં (23 એપ્રિલ અને 29 એપ્રિલ). કુલ 294 (પ્રથમ તબક્કે 152 અને બીજા તબક્કે 142 સીટો) અને પરિણામ 4 મે, 2026ના રોજ જાહેર થશે.

બંગાળમાં રમત રસાકસી ભરી છે. એકતરફ મમતા બેનર્જીનો લોકપ્રિય ચહેરો છે, તો બીજી તરફ ભાજપનું મજબૂત સંગઠન અને દિલ્હી હાઈકમાન્ડની વ્યૂહરચના. શુભેન્દુ અધિકારી અને મમતા વચ્ચેની જંગ ફરી એકવાર કેન્દ્રસ્થાને રહેશે. શું મમતા બેનર્જી આ ઓપિનિયન પોલને સાચો સાબિત કરીને સત્તામાં પરત ફરશે કે પછી ભાજપ બંગાળમાં નવો ઇતિહાસ લખશે? તે તો 4 મેના રોજ જ ખબર પડશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now