Home International Tensions Flare Up Again After Ceasefire Gaza Israeli Drone Strike Two Siblings

યુદ્ધવિરામ બાદ ફરી ભડક્યો તણાવ? : ગાઝામાં ઇઝરાયલી ડ્રોન હુમલો, અનેક લોકો ઘાયલ, ઈરાનની કડક ચેતવણી

drone attack
Image Credit: પ્રતિકાત્મક ફોટો
Published by: Suman Dabhi
Last Updated: Jun 28, 2026, 04:08 AM IST

drone attack: પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ ફરી એકવાર વધી ગયો છે. અમેરિકાએ ઈરાનના સૈન્ય ઠેકાણાઓ પર નવા હવાઈ હુમલા કર્યા હોવાનો દાવો કર્યો છે, જ્યારે ઈરાને તેના જવાબમાં ખાડી વિસ્તારમાં આવેલા અમેરિકી સૈન્ય મથકોને નિશાન બનાવ્યાનો દાવો કર્યો છે. બંને દેશોએ એકબીજા પર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવતા સમગ્ર વિસ્તારમાં સુરક્ષા અંગે ચિંતા વધી છે.

અમેરિકાના નવા હુમલાનો દાવો

અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM)ના જણાવ્યા અનુસાર, ઈરાન દ્વારા હોર્મુઝ જળમાર્ગ નજીક વેપારી જહાજો સામે ડ્રોન હુમલા કરવામાં આવ્યા બાદ અમેરિકાએ ઈરાનના મિસાઈલ સ્ટોરેજ, ડ્રોન સુવિધાઓ અને દરિયાકાંઠાના રડાર કેન્દ્રોને નિશાન બનાવી કાર્યવાહી કરી છે. અમેરિકાના જણાવ્યા મુજબ આ કાર્યવાહી આંતરરાષ્ટ્રીય શિપિંગની સુરક્ષા માટે કરવામાં આવી હતી.

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ જણાવ્યું કે ઈરાને યુદ્ધવિરામની શરતોનું ઉલ્લંઘન કર્યું છે, જેના કારણે અમેરિકા માટે સૈન્ય કાર્યવાહી કરવી જરૂરી બની હતી.

ઈરાનનો જવાબી દાવો

બીજી તરફ ઈરાનની ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)એ દાવો કર્યો છે કે તેણે અમેરિકાના હુમલાના જવાબમાં ખાડી વિસ્તારમાં આવેલા અમેરિકી સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે. ઈરાનના સૈન્ય અધિકારીઓએ ચેતવણી આપી છે કે જો અમેરિકા અથવા તેના સાથી દેશો વધુ હુમલા કરશે તો તેનો વધુ કડક જવાબ આપવામાં આવશે.

હોર્મુઝ જળમાર્ગ પર વધતી ચિંતા

હોર્મુઝ સ્ટ્રેટ વિશ્વના સૌથી મહત્વપૂર્ણ તેલ પરિવહન માર્ગોમાંનો એક છે. અહીં વધતા સૈન્ય તણાવને કારણે વેપારી જહાજોની અવરજવર ફરી પ્રભાવિત થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. અમેરિકી અને ખાડી દેશોના અધિકારીઓએ સમુદ્રી સુરક્ષા પર સતત નજર રાખવાની વાત કરી છે.

લેબનોન અને ગાઝામાં પણ સ્થિતિ તંગ

પશ્ચિમ એશિયામાં ઈરાન અને અમેરિકા વચ્ચે વધતા તણાવની વચ્ચે ગાઝા પટ્ટીમાં પણ હિંસાની નવી ઘટના સામે આવી છે. શનિવારે દક્ષિણ ગાઝાના મ્વાસી વિસ્તારમાં ઇઝરાયલી ડ્રોન હુમલામાં બે પેલેસ્ટિનિયન ભાઈ-બહેનનાં મોત થયા હતા, જ્યારે ઓછામાં ઓછા સાત લોકો ઘાયલ થયા હોવાનું સ્થાનિક હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું છે.

વિસ્થાપિતોના કેમ્પને બનાવાયો નિશાન

નાસેર હોસ્પિટલના જણાવ્યા મુજબ, હુમલો મ્વાસી વિસ્તારમાં આવેલા એવા કેમ્પ પર કરવામાં આવ્યો હતો જ્યાં યુદ્ધના કારણે ઘર છોડવા મજબૂર બનેલા પેલેસ્ટિનિયન પરિવારો તંબુઓમાં રહેતા હતા. હુમલામાં 15 વર્ષીય ઇસ્લામ મુસા અને તેના 30 વર્ષીય ભાઈ અબ્દુલ્લા મુસાનું મોત થયું હતું. ઘાયલોને સારવાર માટે નાસેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ઇઝરાયલી સેનાનું નિવેદન

ઇઝરાયલી સેનાએ હુમલાની પુષ્ટિ કરતાં જણાવ્યું કે તેનું લક્ષ્ય હમાસનો એક લડવૈયો હતો. જોકે સેનાએ તે અંગે વધુ વિગતો જાહેર કરી નથી. હુમલા બાદ હોસ્પિટલ પરિસરમાં મૃતકોના સ્વજનો શોકમાં ડૂબેલા જોવા મળ્યા હતા.

ગાઝા શહેરમાં પણ હુમલાના અહેવાલ

તે જ દિવસે ગાઝા શહેરમાં પણ જોરદાર વિસ્ફોટના અવાજો સંભળાયા હોવાનું સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું હતું. શિફા હોસ્પિટલના જણાવ્યા અનુસાર પશ્ચિમ ગાઝા શહેરમાં વિસ્થાપિત લોકો માટેના કેમ્પ પર થયેલા હુમલામાં ઓછામાં ઓછા 12 લોકો ઘાયલ થયા હતા.

પેલેસ્ટિનિયન રેડ ક્રેસન્ટ સોસાયટીના જણાવ્યા અનુસાર ઘાયલોમાં બે લોકોની હાલત ગંભીર છે, જ્યારે મોટાભાગના ઘાયલો મહિલાઓ છે.

આ પણ વાંચો: સતત ધ્રૂજી રહી છે ધરતી! : જાપાનમાં ફરી 6.1ની તીવ્રતાનો ભૂકંપ, 7 દિવસમાં વિશ્વભરમાં 11 મોટા આંચકા નોંધાયા

હાલની સ્થિતિ

અમેરિકા અને ઈરાન બંને તરફથી હુમલા અને પ્રતિહુમલાના દાવાઓ બાદ યુદ્ધવિરામનું ભવિષ્ય અનિશ્ચિત બન્યું છે. આંતરરાષ્ટ્રીય સમુદાય બંને દેશોને સંયમ રાખવા અને રાજદ્વારી વાતચીત દ્વારા ઉકેલ લાવવાની અપીલ કરી રહ્યો છે. હાલ બંને દેશોના દાવાઓ અંગે સ્વતંત્ર સ્તરે તમામ વિગતોની સંપૂર્ણ પુષ્ટિ થઈ રહી છે અને સ્થિતિ સતત બદલાઈ રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now