એશિયાની સૌથી મોટી અને આગવી ઓળખ ધરાવતી બનાસ ડેરીની ચૂંટણી પ્રક્રિયા હવે સત્તાવાર રીતે જાહેર થઈ ગઈ છે. આ ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા 16 સપ્ટેમ્બરથી શરૂ થશે અને 22 સપ્ટેમ્બર સુધી ચાલશે.
29 સપ્ટેમ્બર ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ
ફોર્મ ભરાવાની છેલ્લી તારીખ પછી, 22 સપ્ટેમ્બરે ઉમેદવારી પત્રોની પ્રાથમિક યાદી જાહેર કરવામાં આવશે. ત્યારબાદ 23 સપ્ટેમ્બરે ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવશે, જે બાદ 24 સપ્ટેમ્બરે માન્ય ઉમેદવારોની યાદી જાહેર થશે. જે ઉમેદવારો પોતાની ઉમેદવારી પાછી ખેંચવા માંગતા હોય, તેઓ માટે 29 સપ્ટેમ્બર છેલ્લી તારીખ રહેશે. ત્યારબાદ 30 સપ્ટેમ્બરે હરીફ ઉમેદવારોની આખરી યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે.
10 ઓક્ટોબર મતદાન યોજાશે
ચૂંટણી પ્રક્રિયાનું મહત્વપૂર્ણ તબક્કું એટલે કે મતદાન, 10 ઓક્ટોબરના રોજ યોજાનાર છે. મતદાન પૂર્ણ થયા પછી 11 ઓક્ટોબરે મત ગણતરી કરવામાં આવશે અને એ જ દિવસે પરિણામો પણ જાહેર કરવામાં આવશે.
હરીફ પેનલ ઊભી થવાની શક્યતાઓ
આ વખતની બનાસ ડેરીની ચૂંટણી ખાસ એટલા માટે છે કે, સામાન્ય રીતે એક પક્ષીય રહેતી આ ચૂંટણીમાં હરીફ પેનલ ઊભી થવાની શક્યતાઓ પણ જણાઈ રહી છે. જેના કારણે ચૂંટણી વધુ રોમાંચક બની શકે છે અને સભ્યોમાં ખાસ ઉત્સુકતા જોવા મળી રહી છે. આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા બનાસ ડેરીના લોકતંત્રને મજબૂત બનાવવા અને ખેડૂતોના હિત માટે યોગ્ય નેતૃત્વ પસંદ કરવા માટે એક મહત્વપૂર્ણ અવસર છે.