ગુજરાત રાજ્યમાં અતિવૃષ્ટિ અને ભારે માવઠાને કારણે ખેડૂતા ખેતી પાકમાં ભારે નુકસાન થયું છે, સરવેની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે આર્થિક સ્થિતિ અત્યંત કફોડી બની ગઈ છે. આ પરિસ્થિતિને ધ્યાને લેતા પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી ખેડૂતોના દેવા માફ કરવાની માંગણી કરી છે.
MLA કિરીટ પટેલે CM ભૂપેન્દ્ર પટેલને લખ્યો પત્ર
ધારાસભ્યએ પોતાના પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે, 'ભારે વરસાદ અને માવઠાને કારણે ખેડૂતોની પાકની ભારે નુકસાની થઈ છે, જેના કારણે તેઓ બેન્કો અને સહકારી સંસ્થાઓના દેવા ભરવામાં અસમર્થ બન્યા છે. તેમણે જણાવ્યું કે ખેડૂતો દેશ અને રાજ્યની રીડ છે, અને તેમનું કલ્યાણ રાજ્યના વિકાસ માટે જરૂરી છે'.
'કોંગ્રેસ સરકારના સમયમાં ખેડૂતોના દેવા માફ કરાતા'
પત્રમાં વધુમાં જણાવાયું છે કે, અગાઉ કોંગ્રેસ સરકારના સમયમાં ખેડૂતોના દેવા માફ કરવામાં આવ્યા હતા. હાલ ગુજરાતને વિકાસના માદરી રાજ્ય તરીકે ગણવામાં આવે છે, ત્યારે ઉદ્યોગપતિઓને મળતી રાહતોની સાથે ખેડૂતોને પણ રાહત આપવી સમયની માંગ છે.
'...બે માસના પગાર આ યોજના માટે અર્પણ કરવા તૈયાર'
ધારાસભ્યએ આર્થિક સંવેદનશીલતા દર્શાવતા જણાવ્યું કે, જો સરકાર ખેડૂતોના દેવા માફ કરે, તો તેઓ પોતાના ધારાસભ્ય તરીકે મળતા બે માસના પગાર આ યોજના માટે અર્પણ કરવા તૈયાર છે. આ રજૂઆત રાજ્યમાં ખેડૂતો માટેની સહાનુભૂતિ અને જનહિતની દિશામાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.





















