Gujarat Weather Update : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ઠંડીનો માહોલ વધ્યો છે અને રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ન્યૂનતમ તાપમાન સામાન્ય કરતાં ઘટતા લોકો ઠંડકનો વધુ અનુભવ કરી રહ્યા છે. કચ્છના નલિયામાં રાજ્યનું સૌથી ઓછું 10.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાતા અહીં સૌથી કડકડતી ઠંડી અનુભવાઈ હતી.
કચ્છના નલિયા ઠંડુંગાર
રાજકોટમાં 12.8 ડિગ્રી, વડોદરામાં 13.6 ડિગ્રી, અમદાવાદમાં 14 ડિગ્રી અને ગાંધીનગરમાં 12.2 ડિગ્રી સેલ્સિયસ ઠંડીનો પારો નોંધાયો હતો. પોરબંદરમાં 13.1 ડિગ્રી અને રાજકોટમાં ફરીથી 12.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાતા સૌરાષ્ટ્રમાં પણ ઠંડીનો પ્રભાવ સ્પષ્ટ જોવા મળ્યો છે. દ્વારકામાં સૌથી ઓછું ઠંડુ વાતાવરણ નોંધાયું, જ્યાં ન્યૂનતમ તાપમાન 19.1 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું.
‘બેવડી સિઝન’નો અનુભવ
અમદાવાદમાં દિવસ દરમિયાન પારો ચઢીને 29.7 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયો હતો, જ્યારે ન્યૂનતમ તાપમાન 14 ડિગ્રી રહેતા સવાર અને રાતે ઠંડક તથા બપોરે ગરમી જેવી ‘બેવડી સીઝન’નો અનુભવ લોકો કરી રહ્યા છે. સમગ્ર રાજ્યમાં મોટાભાગના જિલ્લાઓનું તાપમાન સામાન્ય કરતાં નીચું રહેતાં ગુજરાતમાં ઠંડીનો માહોલ વધુ ગાઢ બન્યો છે.



















