Rajkot Khetlabapa Temple : રાજકોટના ખેતલાબાપા મંદિરમાંથી વન વિભાગે એક વિશેષ કામગીરી ચલાવી કુલ 52 સાપોને જીવીત હાલતમાં ઝડપી પાડ્યા છે. સાપોને સાચવવા માટે મંદિરમાં ખાસ કરીને ધૂળ રાખવામાં આવતી હતી, જે આ કામગીરી દરમિયાન સામે આવ્યું હતું. વન વિભાગની ટીમે તમામ સાપોને એક પછી એક અલગ-અલગ કન્ટેનરમાં ભેગા કર્યા હતા.
મહંતનું નિવેદન નોંધ્યા જામીન પર મુક્ત કરાયા
વન વિભાગે મંદિરના મહંત મનુભાઈ દૂધરેજિયાની વાઈલ્ડલાઈફ પ્રોટેક્શન એક્ટ, 1972 હેઠળ અટકાયત કરી, કારણ કે જંગલી પ્રાણીઓને બિનકાયદેસર રીતે પોતાની પાસે રાખવું કાયદેસર ગુનો ગણાય છે. મહંતનું નિવેદન નોંધ્યા બાદ તેમને જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતાં.
મહંત સાપના જાણકાર હોવાનું ખુલ્યું!
પૂછપરછ દરમિયાન મહંતે જણાવ્યું કે, તેઓ પોતે સ્નેક હેન્ડલર એટલે કે સાપના જાણકાર છે અને ધાર્મિક આસ્થા સાથે સાપોને મંદિરમાં રાખતા હતા. તસ્કરી, વેચાણ કે કોઈ પ્રકારની છેતરપિંડી થતી હતી તેવી બાબત સામે આવી નથી, છતાં વન વિભાગે તમામ દિશામાં તપાસ હાથ ધરી છે.
વન વિભાગે વધુ તપાસ હાથધરી
વન વિભાગે 52 સાપોને સલામત રીતે જંગલ વિસ્તારમાં છોડવાની પ્રક્રિયા પણ હાથ ધરી છે. ખેતલાબાપા મંદિર અને મહંત બંને ધાર્મિક આસ્થા સાથે જોડાયેલા હોવાને કારણે આ ઘટના ચર્ચાનો વિષય બની છે, જ્યારે વન વિભાગ કાયદાકીય પ્રક્રિયા અનુસાર આગળની તપાસ ચાલુ રાખી રહ્યું છે.



















