Gujarat Tiger News : રાજ્યકક્ષાના વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણ માળીએ ગુજરાતમાં વાઘની હાજરી અંગેની પુષ્ટી કરી છે. તેમણે જણાવ્યું કે, રાજ્યમાં ફરી એક વખત વાઘની ઉપસ્થિતિની સત્તાવાર પુષ્ટિ થઈ છે. રતનમહાલના જંગલોમાં વાઘ જોવા મળ્યો છે અને વન વિભાગની તપાસ મુજબ વાઘ લગભગ 9 મહિનાથી અહીં વસવાટ કરતો હોવાનું નિશ્ચિત થયું છે.
રાજ્યમાં વાઘની હાજરી ઘણા વર્ષો બાદ નોંધાઈ
વિદ્યમાન પુરાવા, સીસીટીવી ફૂટેજ અને પગના નિશાન જેવા વૈજ્ઞાનિક પુરાવાના આધારે વન વિભાગે વાઘની ઉપસ્થિતિને માન્યતા આપી છે. આ સમાચારથી ગુજરાતના વનજતુ સંરક્ષણ ક્ષેત્રમાં નવી આશા અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કારણ કે રાજ્યમાં વાઘની હાજરી ઘણા વર્ષો બાદ ફરીથી નોંધાઈ છે.
સુરક્ષા અને સંરક્ષણ માટે વિશેષ ટીમો કાર્યરત
વાઘની હિલચાલ, સુરક્ષા અને તેના સંરક્ષણ માટે વિશેષ ટીમો કાર્યરત કરી દેવામાં આવી છે, જેથી રતનમહાલના જંગલોમાં તેનું પ્રાકૃતિક નિવાસ સુનિશ્ચિત રહી શકે. જો કે, ગુજરાત સિંહ માટે જાણીતું છે. જો કે, હવે વાઘની હાજરીના પગલે ગુજરાતની ઓળખમાં પણ વધારો થશે.



















