Gujarat Cyber Slavery Racket : ગુજરાત સાયબર સેન્ટર ફોર એક્સેલન્સે આંતરરાષ્ટ્રીય સ્તરે ફેલાયેલા ‘સાયબર સ્લેવરી’ રેકેટને મોટો ઝાટકો આપ્યો છે. મ્યાનમારના KK પાર્ક અને અને કમ્બોડિયામાં સ્થિત ચાઇનીઝ સાયબર માફિયાના સ્કેમ સેન્ટરો માટે ભારતીય યુવાનોને સપ્લાય કરતો મુખ્ય સૂત્રધાર નીલેશ પુરોહિત ઉર્ફે 'નીલ'ની ગાંધીનગરમાંથી ધરપકડ કરવામાં આવી છે. ‘ઘોસ્ટ’ નામથી ઓળખાતા નીલ સાથે તેના બે સાથીદારોને પણ ઝડપી લેવાયા બાદ વધુ બે આરોપીઓની અટકાયત થઈ છે. હાલ નીલેશના 14 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે.
11 દેશોના લોકોને લક્ષ્ય બનાવવામાં આવતા હતા
તપાસમાં ખુલ્યું છે કે નીલેશ પુરોહિત એક અત્યંત સુવ્યવસ્થિત અને વ્યૂહબદ્ધ આંતરરાષ્ટ્રીય સાયબર-સ્લેવરી નેટવર્ક ચલાવતો હતો. તે 126થી વધુ સબ-એજન્ટોનું સંચાલન કરતો હતો અને 30થી વધુ પાકિસ્તાની એજન્ટો સાથે સતત સંપર્કમાં હતો. માત્ર એટલું જ નહીં, તે 100થી વધુ ચાઇનીઝ અને અન્ય વિદેશી કંપનીઓના HR નેટવર્ક સાથે સીધો કનેક્શન ધરાવતો હતો, જેના માધ્યમથી ભારત સહિત કુલ 11 દેશોના લોકોને લક્ષ્ય બનાવવામાં આવતા હતા.
ચાઇનીઝ કંપનીઓ અને 50 જેટલા પાકિસ્તાની એજન્ટો સાથે સંપર્ક
ઊંચા પગાર અને વિદેશમાં તેજસ્વી કરિયરની લાલચ આપીને તેણે 500થી વધુ નાગરિકોને મ્યાનમાર અને કમ્બોડિયાના સાયબર સ્લેવરી સેન્ટરો સુધી પહોંચાડ્યા હતા. વધુમાં, 1000થી વધુ લોકોને મોકલવાની મોટી ડીલ પણ તેણે કરી હતી. આ સમગ્ર રેકેટમાં 100 ચાઇનીઝ કંપનીઓ અને 50 જેટલા પાકિસ્તાની એજન્ટો સાથે તેનું નેટવર્ક સક્રિય હતું.
સબ-એજન્ટોને 30થી 40 ટકા કમિશન આપતા હતા
આ ધરપકડથી આંતરરાષ્ટ્રીય સાયબર ગુનેગારી સામેની લડતમાં ગુજરાત પોલીસને એક મોટી સિદ્ધિ મળી છે. તપાસ આગળ વધી રહી છે અને સાયબર સ્લેવરીના આ ગૂઢ રેકેટના વધુ કડીઓ બહાર આવવાની શક્યતા છે. અત્રે જણાવીએ કે, આરોપીઓ સબ-એજન્ટોને 30થી 40 ટકા કમિશન આપતા હતા, એટલે કે, નીલ પુરોહિત વ્યક્તિ દીઠ આશરે 2000થી 4500 રૂપિયાનું કમિશન મેળવતો હતો



















