વડોદરાના સમા વિસ્તારમાં સમરસ બોયઝ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓએ ખોરાકની નીચી ગુણવત્તા, પાણીની અછત અને રસોડાની અસ્વચ્છતા મુદ્દે રાત્રે વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિદ્યાર્થીઓએ આરોપ કર્યો છે કે અગાઉ ઘણી વાર લેખિત રજૂઆત કરવા છતાં હોસ્ટેલ મેનેજમેન્ટે કોઈ સુધારા કર્યા નહોતા, જેના કારણે તેઓને રસ્તા પર ઉતરવા મજબૂર થવું પડ્યું.
વિદ્યાર્થીઓ મુજબ, રોટલી માટે નક્કી કરેલી કંપનીના પેકેટમાં આવતો લોટ મોકલવાનો નિયમ હોવા છતાં છેલ્લા કેટલાક અઠવાડિયાંથી જુદી બ્રાન્ડનો લોટ મોકલવામાં આવી રહ્યો છે. કેટલાક વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે આ બદલાવ પછી તબિયત બગાડવાના કેસ વધી રહ્યા છે.
આ ઉપરાંત, રસોઈમાં વપરાતા Sing Telના ડબ્બા ખોલતાં તેમાં પાણી મિશ્રિત જોવા મળ્યું હતું. વિદ્યાર્થીઓનો દાવો છે કે ઘણી વાર તેલની મૂળ બરણીમાં અન્ય કંપનીનું તેલ ભરવામાં આવે છે. તેઓએ આ ઘટના મોબાઇલમાં રેકોર્ડ કર્યાનો પણ દાવો કર્યો છે.
રસોડામાં ગંદકી, પાણી વગરના બાથરૂમ
વિદ્યાર્થીઓએ રસોડાની સ્થિતિને અત્યંત નિમ્ન સ્તરની ગણાવી છે. તેમનું કહેવું છે કે રસોઈ બનાવવાના વિસ્તારમાં ગંદકીને કારણે દુર્ગંધ રહે છે. રહેવા માટેની બિલ્ડિંગમાં ટોયલેટ અને બાથરૂમમાં પાણી નહિ મળે તેવા પ્રસંગો વારંવાર સર્જાતા હોવાની પણ ફરિયાદ કરવામાં આવી છે.
સામાન લાવનાર ડ્રાઇવરને પ્રશ્નો, કોન્ટ્રાક્ટર સાથે ફોન પર ટાળો-ટાળી
વિદ્યાર્થીઓએ જણાવ્યું કે રાત્રિ દરમિયાન હોસ્ટેલ માટે સામાન લઇ આવ્યો તે ટેમ્પોને રોકીને તેઓએ સીધી પૂછપરછ કરી. કોન્ટ્રાક્ટરને ફોન કરતા વારંવાર ફોન કાપી દેવામાં આવ્યો હતો. આ ઘટનાથી ગુસ્સે ભરાયેલા વિદ્યાર્થીઓ વધુ આક્રોશિત થયા હતા.
કેટલાક વિદ્યાર્થીઓએ કહ્યું કે સિંગ તેલના ડબ્બા ખોલતા પાણી મિક્સ હોવાનો તેમને પુરાવો મળ્યો જેના આધાર પર વિરોધ વધુ ઉગ્ર બન્યો.
અધિકારીઓ ગેરહાજર, વિદ્યાર્થીઓનો સૂત્રોચ્ચાર
વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો કે હોસ્ટેલમાં સામાન પહોંચાડતી વખતે કોઈ જવાબદાર અધિકારી હાજર નથી હોતો. તેમની માંગ છે કે ખોરાક સપ્લાય કરનારા કોન્ટ્રાક્ટર અને દેખરેખ રાખતા તંત્ર સામે તાત્કાલિક પગલાં લેવાં જોઈએ.
પાલિકા આરોગ્ય શાખાની તાત્કાલિક કાર્યવાહી
હોબાળા બાદ મ્યુનિસિપલ હેલ્થ ડિપાર્ટમેન્ટે ટીમ મોકલી હતી. રસોડું, સ્ટોરરૂમ અને અન્ય વિસ્તારોમાં તપાસ કરી અનેક ખાદ્ય વસ્તુઓના સેમ્પલ કબજે કરવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું છે કે લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ કાયદેસર પગલાં લેવાશે.




















