રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે આજે રાજ્યના તમામ શહેર અને જિલ્લા પોલીસ વડાઓને તાત્કાલિક આદેશ જાહેર કર્યો છે. સૂચના મુજબ છેલ્લા 30 વર્ષમાં ગુજરાતના વિવિધ પોલીસ સ્ટેશનોમાં રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓના ગુનાઓમાં પકડાયેલા તમામ આરોપીઓનું ચેકિંગ અને વેરીફિકેશન કરવાની ખાસ કામગીરી હાથ ધરવાની છે.
જૂના તેમજ સક્રિય કેસોની તપાસ હાથધરાશે
આ કામગીરી અત્યંત સંવેદનશીલ હોવાથી વિકાસ સહાયે સ્પષ્ટ સૂચના આપી છે કે દરેક પોલીસ યુનિટે પોતાના વિસ્તારમાં આવા જૂના તેમજ સક્રિય કેસોની વિગત મેળવી ડોઝિયર તૈયાર કરવાનું રહેશે. સમગ્ર પ્રક્રિયા આગામી 100 કલાકની અંદર પૂર્ણ કરવાની ફરજિયાત સમયમર્યાદા આપવામાં આવી છે.
ગુજરાત પોલીસની વિશેષ ડ્રાઈવ
રાજ્ય પોલીસની આ વિશેષ ડ્રાઇવનો હેતુ એ છે કે, રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ રહેલા વ્યક્તિઓની હાલની સ્થિતિ જાણવી તેમજ તેમના સંપર્ક, નેટવર્ક, હાલના લોકેશન અને ચાલચલનનું પુનઃમૂલ્યાંકન કરવું, જૂના કેસોની ફાઈલોમાં રહેલી ખામીઓને સુધારી નવું ડેટાબેઝ તૈયાર કરવું. આ પગલું રાજ્યની આંતરિક સુરક્ષા મજબૂત બનાવવાની દૃષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. આદેશ બાદ દરેક જિલ્લામાં ઝડપી ગતિએ કાર્યવાહી શરૂ થઈ ગઈ છે.




















