સુરતમાં મહીધરપુરા વિસ્તારમાં આવેલા રામપુરા મેન રોડ પર પાટીદાર ભવન પાસે આવેલ ગ્રાઉન્ડ-પ્લસ ચાર માળના મકાનમાં આજે ચોથા માળે ભયંકર બ્લાસ્ટ થતાં વિસ્તારમા હડકંપ મચી ગયો. બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે, બિલ્ડિંગમાં રહેતા લોકો અને આસપાસના રહેવાસીઓ ગભરાઈને નીચે દોડી આવ્યા અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
જ્વેલરી પોલિશિંગ કામ કરતા કારીગરો રહેતા હતા
માહિતી મુજબ, ચોથા માળે જ્વેલરી પોલિશિંગ કામ થાય છે અને ત્યાં જ કારીગરો રહે છે. રૂમમાં ગેસ સિલિન્ડરમાં લીકેજ થવા લાગતાં પહેલેથી જ આગ ફેલાઈ ગઈ હતી. આ આગ ધીમે ધીમે ફ્રીજના કમ્પ્રેસર સુધી પહોંચી જતા જોરદાર ધડાકો થયો. ધડાકા સાથે જ રૂમમાં રાખેલા ગાદલા અને અન્ય સામાન સળગી ઉઠ્યો અને આગ ઝડપથી ફેલાઈ ગઈ. અકસ્માતના સીસીટીવી જેવા વીડિયો પણ સામે આવ્યા છે, જેમાં વિસ્ફોટનો ધમાકો અને ત્યારબાદ ધુમાડો ફેલાતો દેખાઈ રહ્યો છે.
ફાયર બ્રિગેડની છથી વધુ ગાડીઓ ઘટનાસ્થળે
ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની છથી વધુ ગાડીઓ તરત જ સ્થળે દોડી આવી અને આગ કાબૂમાં લેવા માટે કામગીરી શરૂ કરી. ફાયર કર્મચારીઓએ આસપાસના ફ્લેટ્સ ખાલી કરાવી વધુ જાનહાનિ ન થાય તેની તકેદારી લીધી. સદનસીબે આ ભયંકર બ્લાસ્ટમાં જાનહાનિ ટળી છે, પરંતુ રૂમનું ભારે નુકસાન થયું હોવાનું જણાવાયું છે. ફાયર વિભાગ અને પોલીસ દ્વારા ઘટનાના ચોક્કસ કારણોની તપાસ શરૂ કરી દેવામાં આવી છે.




















