ISKCON Bridge Accident Case : અમદાવાદમાં વર્ષ 2023માં 20 જુલાઈની રાત્રે બેફામ સ્પીડે કાર દોડાવી ઈસ્કોન બ્રિજ પર અકસ્માત સર્જી 9 લોકોનાં મોત નિપજાવનાર આરોપી તથ્ય પટેલ સામે કાર્યવાહીનો દોર યથવાત છે. ઇસ્કોન બ્રિજના બહુમુલ્ય 9 જીવ લેનાર માર્ગ અકસ્માત કેસમાં મુખ્ય આરોપી તથ્ય પટેલ સામે અઢી વર્ષ બાદ ચાર્જફ્રેમ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ આજે તથ્ય પટેલને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં તે નીચી મુંડી રાખીને હાજર થયો હતો.
3 સપ્તાહની અંદર ચાર્જફ્રેમ કરી
સુપ્રીમ કોર્ટએ જ તથ્ય પટેલ વિરુદ્ધ 3 સપ્તાહની અંદર ચાર્જફ્રેમ કરી, સાક્ષીઓના નિવેદનોની પ્રક્રિયા શરૂ કરવાનો સ્પષ્ટ હુકમ કર્યો હતો. જેના અનુસંધાને કોર્ટમાં ચાર્જફ્રેમની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી. જેમાં 1684 પાનાની ચાર્જશીટ અને 191 સાક્ષીઓના નિવેદન લેવામાં આવેલા છે. સાથો સાથ 25 લોકોના પંચનામાં, 9 મૃતકોના પોસ્ટમોર્ટમ રિપોર્ટ સાથો સાથ કુલ 14 દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવ્યા છે.
કઈ કઈ કલમો હેઠળ કાર્યવાહી
પોલીસે તથ્ય પટેલ પર IPCની કલમો 279, 337, 338, 304, 504, 506(2), 308, 114, 118 હેઠળ ગુના દાખલ કર્યા છે. ઉપરાંત મોટર વ્હીકલ એક્ટની કલમ 177, 189 અને 134 હેઠળ પણ કેસ નોંધાયો છે.




















