logo-img
Amc Commissioner Arrives On The Road To Inspect

AMC કમિશનર રોડ પર ઉતરી તપાસ કરવા પહોંચ્યા : 31 ડિસેમ્બર સુધીમાં તમામ રોડ કામ પૂરા કરવાની આપી સૂચના

AMC કમિશનર રોડ પર ઉતરી તપાસ કરવા પહોંચ્યા
Published by: Offbeat Team
| Last Updated: Nov 18, 2025, 07:00 AM IST

Ahmedabad News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા તાજેતરમાં મહાનગરપાલિકાના કમિશનરો અને મેયરો સાથે કરાયેલી વીડિયો કોન્ફરન્સ બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના રોડ કામોમાં નોંધપાત્ર ઝડપ જોવા મળી રહી છે. મુખ્યમંત્રીની સ્પષ્ટ સૂચના મુજબ શહેરમાં ચાલી રહેલા તમામ રોડ–રસ્તાના કામો ગુણવત્તાની પૂરતી કાળજી રાખીને આવતા 31 ડિસેમ્બર સુધી પૂર્ણ કરવા સત્તાધીશોને આદેશ આપવામાં આવ્યો છે.

AMC કમિશનર રોડ પર ઉતરી તપાસ કરવા પહોંચ્યા

મુખ્યમંત્રીની બેઠક બાદ AMCએ કોન્ટ્રાક્ટરો તેમજ સંબંધિત અધિકારીઓને તાત્કાલિક સૂચનાઓ આપી છે કે દરેક રોડનું કામ સમયરેખા મુજબ પૂરુ થાય તેમજ રોડની ગુણવત્તામાં કોઈ સમાધાન ન રહે. રોડ બનાવતી વખતે ગુણવત્તાયુક્ત સામગ્રીનો ઉપયોગ થાય અને તમામ ટેકનિકલ ધોરણોનું સંપૂર્ણ પાલન થાય તે સુનિશ્ચિત કરવાની જવાબદારી AMCએ સ્પષ્ટ કરી છે.

કામગીરીનું વિગતવાર મૂલ્યાંકન કર્યું

આ સૂચનાઓને અનુસરતા અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર જાતે રોડ પર ઊતર્યા અને દક્ષિણ–પશ્ચિમ ઝોનના જોધપુર વોર્ડ વિસ્તારમાં તાજેતરમાં ખોલવામાં આવેલા 30 મીટર પહોળા નવા માર્ગનું મેદાની નિરીક્ષણ કર્યું. એસ.જી. હાઇવે પાસેના નિર્વાણા પાર્ટી પ્લોટથી સરદાર પટેલ રિંગ રોડ તરફના માર્ગ પર હાલ હોટ મિક્સ રોડ સરફેસિંગનું કામ ચાલી રહ્યું છે. કમિશનરે સ્થળ પર જઈને સમગ્ર કામગીરીનું વિગતવાર મૂલ્યાંકન કર્યું.

સેન્સર પેવર દ્વારા રોડના યોગ્ય કેમ્બરની તપાસ કરી

નિરીક્ષણ દરમિયાન કમિશનરે ખાસ કરીને સેન્સર પેવર દ્વારા રોડના યોગ્ય કેમ્બર (ઢાળ)ની તપાસ, હોટ મિક્સ મટિરિયલનું માનક તાપમાન જળવાઈ રહ્યું છે કે નહીં, અને રોડ બિછાવવાની પ્રક્રિયામાં ગુણવત્તાના બધા ધોરણોનું પાલન થઈ રહ્યું છે કે નહીં તેની ખાસ ચકાસણી કરી. તેમણે ઈજનેરો અને કોન્ટ્રાક્ટરોને કડક સૂચના આપી છે કે શહેરના રોડ કામોમાં કોઈપણ પ્રકારની બેદરકારી કે ગુણવત્તામાં ખામી સ્વીકાર્ય નહીં ગણાય.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now