Modasa Ambulance Accident : સોમવાર મોડી રાત્રે મોડાસા નજીક રાણાસૈયદ ચોકડી પાસે એક અત્યંત કરૂણ અને હ્રદયદ્રાવક અકસ્માત બન્યો હતો. ધનસુરા તરફ જતા રોડ પર આવેલા પેટ્રોલ પંપની સામેની લેનમાંથી પસાર થઈ રહેલી એક એમ્બ્યુલન્સમાં અચાનક અજાણ્યા કારણોસર આગ ભભૂકી ઉઠી. થોડા જ સેકન્ડોમાં આગે સમગ્ર એમ્બ્યુલન્સને ઘેરી લીધી હતી. ઘટના એટલી ગંભીર હતી કે પાછળના ભાગમાં બેઠેલા ચાર લોકો જીવતા જ સળગી જતા સ્થળ પર જ તેમનું મોત નીપજ્યું. મૃત્યુ પામેલા લોકોમાં પ્રસૂતિ બાદ માત્ર એક દિવસના નવજાત બાળક, તેના પિતા, એમ્બ્યુલન્સમાં હાજર ડોક્ટર અને નર્સનો સમાવેશ થાય છે.
મોડાસા નજીક ભયાનક અકસ્માત
માહિતી મુજબ મોડાસાથી એક દિવસના બીમાર બાળકને સારવાર માટે અમદાવાદ લઈ જવામાં આવી રહ્યું હતું. જેમ જ એમ્બ્યુલન્સ પેટ્રોલપંપની નજીક પહોંચી, તેમ જ કોઈ અગમ્ય ટેકનિકલ કારણસર તેમાં આગ લાગી હોવાનો પ્રાથમિક અંદાજ છે. આગ એટલી ઝડપથી ફેલાઈ ગઈ કે પાછળના ભાગમાં બેઠેલા લોકો બહાર નીકળી શક્યા નહીં અને ભડથું થઈ ગયા. આ દૃશ્ય અત્યંત દુઃખદ અને દિલદહેલાવનારું હતું.
એમ્બ્યુલન્સમાં લાગી આગ, 4ના મોત
એમ્બ્યુલન્સના આગળના ભાગમાં બેઠેલા ડ્રાઈવર સહિત ત્રણ લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા. તેમને તાત્કાલિક નજીકના હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. અકસ્માતની સંપૂર્ણ પ્રક્રિયા રોડ પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેમાં એમ્બ્યુલન્સ દોડતી વખતે અચાનક જ ધુમાડો અને આગ દેખાતા જોવા મળી છે. પોલીસ અને ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી આગ કાબૂમાં લીધી અને વધુ તપાસ હાથ ધરી છે. આ ભયાનક દુર્ઘટનાએ વિસ્તારના લોકોને સ્તબ્ધ કરી દીધા છે, કારણ કે સારવાર માટે લઈ જવામાં આવતું નવજાત બાળક સહિત ચાર નિર્દોષ જીવને એક ક્ષણમાં પોતાનો જીવ ગુમાવવો પડ્યો.




















